
તસ્વીરમાં અહીં દેખાતી આ બાળકીનું નામ છે સિદ્ધિ ઠાકોર. અને તેની બાજુમાં પાણીમાં પડી રહેલા આ વાળના ગુચ્છાને જોઈ રહ્યાં છો તે ગુચ્છો સિદ્ધિના પેટમાંથી બહાર કઢાયો છે. આ બાળકીની ઉંમર છે ફક્ત 4 વર્ષ. અને તેને એવી બીમારી થઈ છે જે લાખો-કરોડો લોકોમાં એકાદ બાળકને થતી હોય છે. પાટણમાં રહેતી એક નાનકડા ગરીબ પરિવારની બાળકીના પેટમાં થતાં દર્દને કારણે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી. સિદ્ધિના રિપોર્ટ કરવામાં આવ્યા. પણ આ રિપોર્ટ્સને જોઈને તો ખુદ ડૉક્ટર્સ ચોંકી ઉઠ્યા. કારણ કે આ રિપોર્ટમાં જાણવા મળ્યું કે સિદ્ધિના પેટમાં કેટલાંય વાળ છે અને તે વાળ ખુદ સિદ્ધિએ જ ખાધા છે. જે બીમારી સામાન્ય રીતે યુવાન સ્ત્રીઓ કે જેમની ઉંમર 15-20 વર્ષની આસપાસ હોય છે તેમનામાં મોટેભાગે જોવા મળતી બીમારી 4 વર્ષની બાળકીમાં જોવા મળી છે.
આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રિશિયન ડૉ.રાકેશ જોષીનું કહેવું છે, “ઓપરેશન કરતાં અમને માલૂમ પડ્યું કે આ બાળકના પેટમાં આટલી મોટી ગાંઠ છે. ઓપરેશનનું ફાઈન્ડિંગ જોયું તો અમે સૌ એકદમ ચોંકી ઉઠ્યા. અને ચોંકવાનું કારણ પણ એવું જ હતું. 4 વર્ષની નાની બાળકીના પેટમાંથી 60-70 સેમી.ની વાળની ગાંઠ નીકળી છે જે તેના નાના આંતરડા સુધી પહોંચી રહી હતી.”
આ નાની બાળકીની પેટમાં લગભગ 760 ગ્રામ વાળની ગાંઠ બનેલી હતી. આ તો કંઈ નથી, પણ જ્યારે તમે આ ગાંઠ થવાનું કારણ જાણશો ત્યારે તમે હેરાન થઈ ઉઠશો. આ 4 વર્ષની બાળકીના પેટમાં થયેલી ગાંઠનું કારણ હતું તે પોતે જ. એટલે કે તે બાળકી પોતે જ પોતાના વાળ ખાઈ રહી હતી. હા, 4 વર્ષની નાની બાળકી પોતાના જ વાળ ખાતી હતી અને તેના કારણે તેના પેટમાં 60-70 સેમી.ની વાળની ગાંઠ નીકળી. મેડિકલ સાયન્સમાં આ બિમારીની ‘ટ્રાઈકોબેઝોર’ કહેવામાં આવે છે. આખી દુનિયામાં આ પ્રકારના માત્ર 40 કિસ્સાઓ જ હજી સુધી જોવા મળ્યા છે.
આ 4 વર્ષની સિદ્ધિ પોતાના દાદા સાથે ગામડે રહેતી હતી અને તેના માતા-પિતા મજૂરી માટે બહાર જતા રહેતા. અને જ્યારે સિદ્ધિને ભૂખ લાગતી, કંઈ ખાવાનું મન થતું ત્યારે તે પોતાના વાળ જ ખાવા લાગતી. અને સિદ્ધિની આ ટેવની જાણ તેના પરિવારમાંથી કોઈને પણ નહોતી જેથી ધીરે ધીરે આ ટેવે એક મોટી સમસ્યાનું રૂપ ધારણ કરી લીધું.
“છેલ્લા 5 દિવસોથી સિદ્ધિને પેટમાં દુખાવો અને ઉલ્ટીની સમસ્યા રહેતી. પણ અહીં આવીને અમને ખબર પડી કે તે વાળ ખાતી હતી. અમે તો કામ માટે બહાર જતા, ઘરે રહેતા નહીં અને મારા સસરાને દેખાતું નથી. એટલે અમારામાંથી કોઈને ખબર જ ના પડી કે તેને ભૂખ લાગે ત્યારે તે વાળ ખાય છે.”તેમ સિદ્ધિના માતા ગીતાબહેન ઠાકોરનું કહેવું છે.
સિવિલ હોસ્પિટલ, અમદાવાદનાં મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.એમ.એમ.પ્રભાકરનું કહેવું છે, “આજ સુધી ઈતિહાસમાં આ પ્રકારનાં ખૂબ જ ઓછા કેસ જોવા મળ્યા છે. 1968માં જ્યારથી આ બીમારી અંગે લોકોને જાણ કરાઈ ત્યારથી અત્યાર સુધી 40 કરતા પણ ઓછા કિસ્સાઓમાં આ બીમારી જોવા મળી છે. અત્યાર સુધી આ બીમારી થઈ હોય તેવી સૌથી ઓછી ઉંમર 7 વર્ષ જોવા મળી છે. જ્યારે કે આ તમામ કિસ્સાઓમાંથી ભારતના કેસીસ તો 10 કરતાં પણ ઓછા છે. જ્યારે કે ભારત માટે તો આ સૌથી નાની ઉંમરમાં થયેલો કિસ્સો છે.”
જોકે હોસ્પિટલમાં આ બાળકીનો ઈલાજ કોઈ પણ ચાર્જ લીધા વગર મફતમાં કરવામાં આવ્યો છે. અને હવે સિદ્ધિનો દુખાવો પણ દૂર કરી દેવામાં આવ્યો છે. પણ આ કિસ્સા બાદ કેટલાંયે બાળકોના ઉછેર અને દેખભાળ પર સવાલ ઉઠ્યા છે. જે માતા-પિતા પોતાના જ કામમાં વ્યસ્ત રહે છે તે સૌના માટે સિદ્ધિનો આ કિસ્સો રેડ એલર્ટ સમાન છે. આ કેસ પરથી દરેક માતા-પિતાએ પોતાના કામની વ્યસ્તતા વચ્ચે પોતાના બાળકનો ઉછેર કેવી રીતે થઈ રહ્યો છે, તેના ગમા-અણગમા પ્રત્યે ધ્યાન રાખવું જરૂરી છે તે શીખ તો લેવી જ રહીં.