ગુજરાત વિધાનસભાના લેખાનુદાન સત્રના છેલ્લા દિવસે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી રમણભાઈ વોરાએ ત્રણ મહત્ત્વની જાહેરાત કરી છે. જે અનુસાર. રાજ્ય સરકારે સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગો પૈકી ઉન્નત વર્ગો એટલે કે, ક્રિમીલિયેરને બાકાત રાખવાની આવક મર્યાદા વધારી રહી છે. આ અંગેના માપદંડોમાં ફેરફાર કરી આવકમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ ગત 9 ઓગસ્ટ 2012ના રોજ જે આવકમર્યાદા 4.50 લાખ હતી તેને વધારીને હવે 6 લાખ કરવામાં આવી છે. આગામી 1 એપ્રિલ, 2014થી તેનો અમલ થશે. મહત્ત્વનું છે કે, ગત 27 મે, 2013ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આ આવકમર્યાદા વધારીને 6 લાખ કરી દેવામાં આવી હતી. જેના આધારે રાજ્ય સરકારે પણ આ નિર્યણ લીધો છે. મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં સામાજિક શૈક્ષણિક પછાતવર્ગની વસતી રાજ્યની કુલ વસતીના 50 ટકા છે. જેથી, આ વર્ગના લાભ મહત્તમ લોકોને મળી શકે તે હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.