ઈરાકમાં કાળી ગુલામીનો સામનો કરનાર દક્ષિણ ગુજરાતના યુવાનોની વ્યથા સરકાર સુધી પહોંચી હતી. અને તંત્રએ યુવાનોને માદરે વતન લાવવા માટે કમર કરી હતી. અને આજે તમામ યુવાનો પોતાના માદરે વતન ફર્યા છે. જેને લઈને પરિજનોમાં ખુશીની લાગણી પ્રવર્તી રહી છે.

ઈરાકના બગદાદ શહેરમાં નવસારી, વલસાડ તથા મુંબઈના 5 એજન્ટો દ્વારા દક્ષિણ ગુજરાતના 65 યુવાનોને 80 હજાર લઈને કામ કરવા માટે લઈ જવાયા હતા.આ યુવાનોને કરારમાં ઉલ્લેખ કરાયેલા કોન્ટ્રાકટને બદલે બીજા કોન્ટ્રાકટમાં કામ કરવા ઇરાક મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં તમામ યુવાનોને શારિરીક તેમજ માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો હતો. અને ઇરાકમાં આ યુવાનોને ગુલામ જેવી સ્થિતિમાં જીવવા મજબુર બનવું પડયું હતું.ત્યારે આ ગુલામીની પરિસ્થિતિમાંથી ભાગીને વતન આવેલા 7 યુવાનોએ ત્યાંની ગંભીર સ્થિતિ વર્ણવી હતી. જેના પગલે તંત્રએ ઇરાકમાં ફસાયેલા યુવાનને બચાવવા માટે પગલાં લીધાં હતાં…આ અહેવાલના પડઘા છેક વિદેશ મંત્રાલય સુધી પડયા હતાં. અને આ તમામ યુવાનોને વતન લાવી પરિવારો સાથે ભેંટો કરાવ્યો હતો.