જૂનાગઢમાં મતદારો તેમના પડતર પ્રશ્નોને લઇને મતદાનનો બહિષ્કાર કરવાના મૂડમાં છે. જૂનાગઢ શહેરનો જોશીપરા ફાટક રોડ પહોળો કરવાના મુદ્દે લોકોનો રોષ ભભૂકી ઉઠયો છે. રોડ પહોળો કરવા જેવા મુદ્દે પણ લોકોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા જૂનાગઢના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

સામાન્ય રીતે નેતાઓના ગુણ પ્રમાણે દર પાંચ વર્ષે લોકોને વચનોની માળા પહેરાવી મત મેળવી લેવામાં આવે છે અને ત્યાર પછી અમે કોણ અને તમે કોણ જેવો ઘાટ હોય છે. જો કે, આ લોકસભા ચૂંટણીમાં લોકોમાં ખાસી જાગૃક્તા આવી હોય તેમ લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકમાં લોકો જર્જરિત રસ્તા જેવા મુદ્દે મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા હતા પરંતુ હવે તો લોકો રસ્તો પહોળો કરવા જેવા મુદ્દે પણ મતદાન બહિષ્કારની ધમકી આપી રહ્યા છે. જૂનાગઢ શહેરનો જોશીપરા ફાટક રોડ પહોળો કરવા મામલે પણ લોકોએ આવી જ કંઈક ચીમકી ઉચ્ચારી છે.