– ભાજપના નેતાએ કહ્યું વડાપ્રધાન- ગૃહમંત્રીને ગોળી મારવાના ઉચ્ચારણો થાય છે ત્યાં આપણા ગૃહના સભ્ય ખેડાવાળા જઈને ભાષણો કરે છે

અમદાવાદ મ્યુનિ. બોર્ડની આજે મળેલી સામાન્ય સભામાં સીએએના મુદ્દે ભાજપ- કોંગ્રેસ વચ્ચે ભારે હંગામો મચી જતા બોર્ડના અધ્યક્ષ મેયર બિજલ પટેલે એજન્ડા પરના કામો હાથ પર લઈ ઝડપથી બેઠકને આટોપી લીધી હતી. ભાજપના કોર્પોરેટરો આક્રમક રીતે કોંગ્રેસની બેઠક વ્યવસ્થા તરફ ધસી ગયા હતા અને ‘વી સપોર્ટ સીએએ’ના નારા લગાવ્યા હતા. એક તબક્કે તો ઘક્કામુક્કી થઈ હતી અને સામસામે ફાઇલો ઉછળી હતી.

આ અંગેની વિગત એવી છે કે એક તરફ દાણીલીમડાના તોફાનોમાં પકડાયેલા કોર્પોરેટર શહેજાદખાન પઠાણ પોલીસ પહેરા હેઠળ બોર્ડમાં હાજરી આપવા માટે આવ્યા હતા. જ્યારે બીજી તરફ બોર્ડના પ્રારંભે મેયરે ભાજપના નેતા અમિત શાહને બોલવાનું કહેતા તેમણે આક્રમક શરૂઆત કરતા કહ્યું હતું કે, દિલ્હીના શાહીનબાગમાં જ્યાં દેશ વિરોધી નારા લાગે છે, વડાપ્રધાનને અને ગૃહપ્રધાનને ગોળી મારવાની વાતો કરાઈ છે, હિન્દુ વિરોધી ઉચ્ચારણો થાય છે ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા ગૃહના સભ્ય ઇમરાન ખેડાવાળાને ત્યાં જઈને ભાષણો કરે છે. આ તબક્કે ભાજપના કોર્પોરેટરો સેમ… સેમ…ના પોકારો કરી ‘વી સપોર્ટ સીએએ’ લખેલા પ્લેકાર્ડ કાઢી દેખાવો શરૂ કરી દીધા હતાં.

બીજી તરફ ઇમરાન ખેડાવાળા માઇક પર ખુલાસો કરવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે ગૃહમાં ભારે હો…હા શરૂ થઈ હતી. એક તબક્કે તો કોણ શું બોલે છે, તે જ સાંભળી શકાતું ના હતું. ખેડાવાળા મેયર મને પ્રોટેક્શન આપો મારે મારી વાત મૂકવી છે, તેમ કહેતાં હતાં. આવી બાબત સાબિત થાય તો હું ધારાસભ્ય અને કોર્પોરેટર પદેથી રાજીનામું આપવા તૈયાર છું, તેટલું અવાજો વચ્ચે બોલ્યા હતા પણ પછી તો ફાઇલો ઉડવાની અને ધક્કામુક્કી કરવાનું ચાલુ થઈ ગયું હતું.

કોંગ્રેસના એક મહિલા કોર્પોરેટર કાગળ પર નો સીએએ લખીને પ્રદર્શન કરવા આગળ આવ્યા હતા. મેયરે શાંતિ જાળવવા ત્રણેક વખત આપીલ કર્યા બાદ એજન્ડા કામો મંજૂર કરીને બોર્ડ આટોપી લીધું હતું. બોર્ડની કાર્યવાહીની વ્યૂહરચનામાં ભાજપનો હાથ ઉપર રહ્યો હતો.

જ્યારે શું કરવું તેની સૂઝ ના પડતી હોય તેવા કોંગ્રેસના નેતાઓ ફરી એક વખત સ્ટ્રેટેજીની બાબતમાં ઉંઘતા ઝડપાયા હતા. બાદમાં મેયર કાર્યાલયમાં કોંગ્રેસ રજૂઆત કરવા આવશે તેમ જણાતું હોવાથી ત્યાં સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો હતો પણ આ અંગે કોંગ્રેસ નિર્ણય કરી શકી ન હતી. ભાજપના કોર્પોરેટરોએ કોંગ્રેસના કાર્યાલય તરફ ધસી જઈને ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા હતા.

શહેજાદખાનને પોલીસ હાથ પકડીને બોર્ડમાં લાવી
દાણીલીમડામાં બંધના દિવસે પોલીસ પર થયેલા પત્થરમારામાં પકડાયેલા કોર્પોરેટર શહેઝાદખાન પઠાણ અગાઉ બે બોર્ડમાં ગેરહાજર હતા. ત્રીજા બોર્ડમાં ગેરહાજર રહે તો એમને બોર્ડ ગેરલાયક ઠેરવી શકે તેવી સ્થિતિ પેદા થઈ હતી. આ સંજોગોમાં કોર્ટે પાંચ કલાકના જામીન આપ્યા હતા. પોલીસ અધિકારીઓ તેમનો હાથ પકડીને બોર્ડમાં આવ્યા હતા.

મેયરે પોલીસને સભાગૃહની બહાર રહેવાની સૂચના આપતા કહ્યું કે, ‘અમારા સભ્યની જવાબદારી અમારી છે.’ સાથે તેમનાવકીલ પણ હાજર હતા. આ રીતે મ્યુનિ. બોર્ડની સામાન્ય સભામાં પોલીસ સાથે હાજર રહેનાર આ ત્રીજા કોર્પોરેટર છે. અગાઉ લતીફ અને પછી હસનખાન પઠાણ બોર્ડમાં હાજરી આપવા પોલીસ સાથે આવતા હતાં.

અમદાવાદ મ્યુનિ. બોર્ડમાં CAA ના મુદ્દે ભાજપ- કોંગ્રેસ વચ્ચે મચેલો હંગામો was originally published on News4gujarati