– બ્રિટન તથા યુરોપ વચ્ચે છૂટાછેડા-બ્રેકઝીટ ફાઈનલ થતાં બ્રિટીશ પાઉન્ડ તથા યુરો ઉછળ્યા : ચીનની કરન્સી ગબડી

– અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૩૫ લાખ બેરલ્સ વધ્યો

મુંબઈ ઝવેરી બજારમાં આજે આંચકા પચાવી સોના-ચાંદીના ભાવ ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલર, બ્રિટીશ પાઉન્ડ તથા  યુરોના ભાવ ઉછળતાં   રૂપિયો નબળો પડયો હતો અને  તેની અસર પણ ઝવેરી બજારમાં  તેજીની જોવા મળી હતી.   બ્રિટન અને યુરોપ વચ્ચે છૂટાછેટા-બ્રેકઝીટ નક્કી થઈ જતાં તેના પગલે  પાઉન્ડ વધી  રૂ.૯૩ વટાવી ગયો હતો.

 જોકે  વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં  આજે ભાવ ફરી સવા બેથી અઢી ડોલર  ગબડયાના સમાચાર હતા. ચીનના ઘાતક વાયરસના ઉપદ્રવ વધતાં વૈશ્વિક સ્તરે સોનાના ભાવ ઉછળ્યા હતા સામે ક્રૂડતેલ તથા શેરબજારો ગબડયા હતા.  ચીનની યુઆન કરન્સીના ઓફ શોર ભાવ ગબડતાં આ વર્ષે પ્રથમ વાર યુઆન સામે ડોલરના ભાવ સાતની ઉપર ગયા હતા.

 વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ઉછળી ઉંચામાં ૧૫૮૬.૪૦ ડોલર થઈ સાંજે  ભાવ ૧૫૮૦.૬૦થી ૧૫૮૦.૭૦ ડોલર રહ્યા હતા.  મુંબઈ કરન્સી બજારમાં  આજે ડોલરના ભાવ ૨૨ પૈસા વધી રૂ.૭૧.૪૯  જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૪૨ પૈસા વધી રૂ.૯૩.૧૩થી ૯૩.૧૪ રહ્યા હતા. યુરોના ભાવ ૩૯ પૈસા વધી રૂ.૭૮.૭૯થી ,૭૮.૮૦ રહ્યાના નિર્દેશો હતા.

મુંબઈ બજારમાં  આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૪૦૩૦૨ વાળા રૂ.૪૦૬૮૪ જ્યારે ૯૯.૯૦ના રૂ.૪૦૪૬૪  વાળા રૂ.૪૦૮૪૮ બંધ રહ્યા હતા.  જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.  દરમિયાન, મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૫૫૩૫ વાળા ઉછળી રૂ.૪૬ હજાર વટાવી રૂ.૪૬૧૬૦ બંધ રહ્યા હતા.  જ્યારે કેશમાં ભાવ આ ભાવથી હજાર રૂપિયા ઉંચા રહ્યા હતા તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઉંચકાઈ ઉંચામાં  ઔંશના સાંજે ૧૭.૭૭થી ૧૭.૭૮ ડોલર રહ્યા હતા. જોકે ઔંશદીઠ માગ ઘટવાની  ભીતિએ પ્લેટીનમ  તથા પેલેડીયમના  ભાવ સાંજે નરમ  રહ્યા હતા.   પ્લેટીનમના  ભાવ ઔંશના સાંજે  ૯૭૬થી ૯૭૬.૧૦ ડોલર તથા પેલેડીયમના ભાવ રૂ.૨૨૮૧થી ૨૨૮૧.૧૦ ડોલર રહ્યા હતા.

દરમિયાન, ક્રૂડતેલના ભાવ આજે  અઢી ટકા ગબડતાં  સાંજે ભાવ બેરલના બ્રેન્ટક્રૂડના  ૫૮.૩૦થી ૫૮.૪૦ ડોલર રહ્યા હતા જ્યારે  ન્યુયોર્કના ભાવ ૫૨.૧૦થી ૫૨.૨૦ ડોલર રહ્યા હતા.  અમેરિકામાં  ક્રૂડનો સ્ટોક નોંધપાત્ર વધ્યાના સમાચાર હતા. કોપર પણ નરમ હતું. ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ આજે સાંજે  ૦.૨૦થી ૦.૨૫ ટકા માઈનસમાં  રહ્યા હતા.  જ્યારે લંડન એક્સ.માં  આજે કોપરના ભાવ ગબડી ટનના ૩ મહિનાની ડિલીવરીના   ૫૭૦૦ ડોલરની અંદર ઉતરી ૫૬૩૫થી ૫૬૪૦ ડોલર રહ્યા હતા. ત્યાં વિવિધ ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવ  દબાણ હેઠળ  રહ્યાના નિર્દેશો હતા.

ચીનમાં ઘાતક વાયરસ ફેલાતાં  ત્યાં અર્થતંત્રને  ઉગારવા સરકાર સ્ટીમ્યુલસમાં વૃદ્ધિ  કરશે એવી શક્યતા પણ ચર્ચાઈ રહી હતી.  ભારતમાં હવે બજેટમાં સોનાની આયાત જકાતમાં કેવા ફેરફારો કરવામાં આવે છે તેના પર ખેલાડીઓની નજર રહી હતી. અમેરિકામાં  ક્રૂડતેલનો સ્ટોક  ૩૫ લાખ  બેરલ્સ વધ્યાના સમાચાર હતા.

સોના-ચાંદી, ડોલર ફરી ઉછળ્યા: ક્રૂડમાં અઢી ટકાનો કડાકો was originally published on News4gujarati