– સંપૂર્ણ વર્ષ ૨૦૧૯માં સોનાની માંગ એક ટકા ઘટીને ૪૩૫૫ ટન : ભારતની સોનાની માંગ વર્ષ ૨૦૧૯માં ૯ ટકા ઘટીને ૬૯૦ ટન

– વર્ષ ૨૦૨૦માં માંગ વધીને ૭૦૦ થી ૮૦૦ ટન રહેવાનો અંદાજ

વિશ્વના બે  સૌથી મોટા સોનાના  વપરાશકારો-ગ્રાહક દેશો ભારત અને ચાઈનાનો કેલન્ડર વર્ષ ૨૦૧૯ના ચોથા ત્રિમાસિકમાં સોનાની વૈશ્વિક માંગમાં ઘટાડામાં ૮૦ ટકા જેટલો હિસ્સો રહ્યો છે. સોનાના ભાવમાં વધારો અને આર્થિક મંદીની પરિસ્થિતિના કારણે માંગમાં મોટો ઘટાડો થયો હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના રીપોર્ટમાં જણાવાયું છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રીપોર્ટ મુજબ ચોથા ત્રિમાસિકમાં ચાઈનાની જવેલરીની માંગ પાછલા વર્ષની તુલનાએ ૧૦ ટકા ઓછી ૧૫૯.૭ ટનની રહી છે. જ્યારે સંપૂર્ણ વર્ષ ૨૦૧૯માં  માંગ ૭ ટકા ઘટીને ૬૩૭.૩ ટનની રહી છે. આ માટે પ્રમુખ પરિબળો આર્થિક મંદ વૃદ્વિ, વધતો ફુગાવો, વૈશ્વિક વેપાર વિવાદો, ઊંચા સોનાના ભાવો અને યુવા પેઢીનો લાઈટ જવેલરી તરફ વધેલો ઝુંકાવ પ્રમુખ રહ્યા છે. કાઉન્સિલના આંકડા મુજબ ચોથા ત્રિમાસિક માટે સોનાની કુલ માંગ ૧૯ ટકા ઘટીને ૧૦૪૫.૨ ટન રહી છે.

કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં સોનાની વૈશ્વિક માંગ એક ટકા ઘટીને ૪૩૫૫.૭ ટન રહી છે. જે વર્ષ ૨૦૧૮માં ૪૪૦૧ ટન રહી હતી. ભારતમાં સોનાના રેકોર્ડ ઊંચા ભાવોના કારણે તેમ જ આર્થિક મંદીના પરિણામે રીટેલ માંગ ઘટતાં કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં સોનાની માંગ ૯ ટકા ઘટીને ૬૯૦.૪ ટનની રહી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ(ડબલ્યુજીસી)ના આંકડામાં દર્શાવાયું છે. અલબત વર્ષ ૨૦૨૦માં ભારતમાં સોનાના ઊંચા ભાવની સ્વિકૃતી અને સંભવિત આર્થિક સુધારાથી ગ્રાહક વિશ્વાસ વધવાની શકયતાએ સોનાની માંગ ૭૦૦ થી ૮૦૦ ટન રહેવાનો કાઉન્સિલનો અંદાજ છે. 

ડબલ્યુજીસીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં ભારતની સોનાની માંગ વોલ્યુમમાં વર્ષ ૨૦૧૮ના ૭૬૦.૪ ટનની તુલનાએ ઘટીને ૬૯૦.૪ ટનની  રહી છે. જેમાંથી જવેલરીની માંગ ૫૯૮ ટનથી ઘટીને ૫૪૪.૬ ટન રહી છે, જ્યારે લગડી અને સિક્કાની માંગ ૧૬૨.૪ ટનથી ૧૦ ટકા ઘટીને ૧૪૫.૮ ટન રહી છે.  ધનતેરસ જે દિવાળીનો પ્રથમ દિવસ હોય છે અને ૨૫,ઓકટોબર ૨૦૧૯ના હતો એ પણ વર્ષ ૨૦૧૯ના ચોથા ત્રિમાસિકમાં સોનાની માંગને વેગ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. 

આ આયાત વર્ષ ૨૦૧૮ના ૭૫૫.૭ ટનથી ૧૪ ટકા ઘટીને ૬૪૬.૮ ટન થઈ છે. ગ્રે માર્કેટ થકી આયાત વર્ષ ૨૦૧૯માં ૧૧૫ થી ૧૨૦ ટન રહી છે. આયાતો સ્થાનિક મંદ માંગને કારણે અને રીસાઈકલિંગ સોનામાં ૩૭ ટકામાં વૃદ્વિ થકી ૧૧૯ ટન રહેતાં સોનાની આયાત પણ નીચી રહી છે.

ચાલુ વર્ષમાં જે ઝડપે સોનાની માંગમાં વધારો થશે, એ ઝડપે આયાતમાં વધારો નહીં થવાનું તેમનું માનવું છે. પરંતુ સોના પરની કસ્ટમ ડયુટી વર્તમાન ૧૨.૫ ટકાથી ઘટીને ૧૦ ટકા થવાની અપેક્ષા છે. 

સોના આધારીત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ(ઈટીએફ)નો ઈન્ફલોમાં સાધારણ ટ્રેન્ડ જોવા મળ્યો છે. જેમાં વર્ષના પ્રથમ નવ મહિનામાં પ્રોડક્ટના હોલ્ડિંગમાં રોકાણ વધ્યું હતું. ત્રીજા ત્રિમાસિકમાં એ વધારો ૨૫૫.૫ ટન પહોંચ્યો હતો. ત્યારબાદ ઈન્ફલો ઘટીને ૨૬.૪ ટન રહી ચોથા ત્રિમાસિકમાં પણ ઘટાડો નોંધાયો હતો.

ભારતની સોનાની માંગમાં થયેલો ધરખમ ઘટાડો was originally published on News4gujarati