વિદ્યા બાલનના શરૂઆતનાં બીજા કે ત્રીજા વરસે મને ખ્યાલ આવ્યો  હતો કે હાલ હું જે ભૂમિકાઓ ભજવું છું તે મારે ન ભજવવી જોઇએ.ખરું કહું તો મેં જે ક્ષણે આવો મક્કમ નિર્ણય કર્યો.

હિન્દી ફિલ્મ જગતમાં અમુક કલાકારો એવાં પણ છે જેઓ  તેમનાં રૂપરંગથી નહીં પણ ફક્ત પોતાની અભિનય પ્રતિભાથીલોકપ્રિય બન્યાં હોય.વિદ્યા બાલન આવી અભિનેત્રી છે. સામાન્ય રીતે બોલીવુડની અભિનેત્રી દેખાવમાં રૂપકડી  હોય છે.આજથી થોડાં વરસો પહેલાં બોલીવુડના નિર્માતા અને દિગ્દર્શકો તેમની ફિલ્મની અભિનેત્રીઓ સુંદર, નમણી, નાજુક, હસમુખી અને નૃત્યાંગના હોય તેવોઆગ્રહ રાખતા હતા.

આજે સમયના પરિવર્તન સાથે બોલીવુડના આવા આગ્રહમાં પણ ફેરફાર થયો અને વિદ્યા બાલન જેવી પ્રતિભાશાળી અભિનેત્રી મળી.

પરિણીતા(૨૦૦૫) ફિલ્મથી બોલીવુડમાં પા પા પગલી કરનારી વિદ્યા બાલન તેના સ્વતંત્ર વિચારધારા માટે પણ જાણીતી છે.સાથોસાથ વિદ્યાએ વિશિષ્ટ અને પડકારરૂપ વિષયવાળી ફિલ્મોમાં અદભૂત અભિનય કરીને પોતાની અભિનય પ્રતિભાનો પરિચય પણ આપી દીધો છે.પુરુષપ્રધાન એટલે કે હીરોનું વર્ચસ ધરાવતા ફિલ્મ જગતમાં વિદ્યા બાલને નવતર પાત્રો ભજવીને નવો ચીલો પણ પાડયો છે.

થોડા સમય પહેલાં જયપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વિદ્યા બાલને અભિનેત્રીના શારીરિક દેખાવ,ભારતીય સિનેમા,પોતાની પસંદગીની ભૂમિકા તથા લીંગભેદ વગેરે મુદ્દા વિશે પોતાના સ્વતંત્ર વિચારો વ્યક્ત કર્યા હતા.

હિન્દી ફિલ્મો પહેલાં હમપાંચ નામની ટેલિવિઝન સિરિયલમાં મજેદાર ભૂમિકા ભજવનારી વિદ્યાબાલન કહે છે, જુઓ, બોલીવુડમાં હીરોનું વર્ચસ હોય કે આ દુનિયામાં પુરુષોનું પ્રભુત્વ હોય તેનાથી મને જરાય ફેર નથી પડતો.હું આવા બાબતોને ગણકારતી પણ નથી. હું મારા મક્કમ મનોબળથી મારાં સપનાં કે ઇચ્છા પૂરી કરી શકું તેમ છું.

આ જ આત્મવિશ્વાસ મને મારા પરિવારે આપ્યો છે.હા,હું આ દુનિયાના કોઇ નિયમો કે પરંપરા તોડવા નથી ઇચ્છતી કે કોઇને  પડકાર ફેંકવા પણ નથી ઇચ્છતી.બસ,હું મારામાં રહેલી હિંમતથી મારી જિંદગીમાં અને કારકિર્દીમાં આગળ વધું છું.

વિદ્યા બાલન પોતાની અભિનય કારકિર્દીના અનુભવો વિશેકહે છે,શરૂઆતનાં બીજા કે ત્રીજા વરસે મને ખ્યાલ આવ્યો  હતો કે હાલ હું જે ભૂમિકાઓ ભજવું છું તે મારે ન ભજવવી જોઇએ.ખરું કહું તો મેં જે ક્ષણે આવો મક્કમ નિર્ણય કર્યો ત્યારબાદ મને મનપસંદ પાત્રો મળવા લાગ્યાં.જાણે કે મારી અદમ્ય ઇચ્છાનો પડઘો આખા બ્રહ્માંડમાં પડયો હોય.આ નિર્ણય બાદ મેં જે જે ફિલ્મોમાં મજેદાર ભૂમિકાઓ ભજવી તે બધી સફળ થઇ.મને એક પછી એક ફિલ્મમાં સફળતા મળવા લાગી.

   આમ છતાં વિદ્યા બાલન એવી સ્પષ્ટતા પણ કરે છે કે શરૂઆતના તબક્કે મેં જે જે ફિલ્મો સ્વીકારી હતી તેની પસંદગી વિશે ઘણી ઘણી  ટીકા પણ થઇ હતી.જોકે હું આવી ટીકા કે ટીપ્પણીને બહુ ગણકારતી નથી કે તેનો જરાય અફસોસ પણ નથી.હે બેબી અને કિસ્મત કનેક્શન એ બંને ફિલ્મો વિશે મારી બહુ ટીકા થઇ હતી.

ખરેખર તો આ બંને ફિલ્મોને દર્શકોનો બહોળો આવકાર મળ્યો હતો.રોકડું સત્ય તો એ છે કે મેં આ બંને ફિલ્મોમાં કામ ન કર્યું હોત તો આજે હું બોલીવુડમાં ન હોત.એક અભિનેત્રી તરીકે મારું અસ્તિત્વ ખતમ થઇ ગયું હોત.આટલું જ નહીં,હું બોલીવુડની પરંપરાગત હીરોઇન જેવી નથી એ સત્ય પણ સ્વીકારુવું જરૂરી છે.મારે મારી જાત સાથે ન્યાય કરવો જ રહ્યો.

આશ્ચર્યની બાબત તો એ છે કે આ બંને ફિલ્મોનીસફળતા બાદ મારા માટે ખાસ પ્રકારની  વાર્તાઓ ભૂમિકાઓ તૈયાર થતી ગઇ.મને એકથી એક વિશિષ્ટ અને બીનપરંપરાગત કહી શકાય તેવાં પાત્રો મળવાં શરૂ થયાં.મને આવી ઉજળી તક આપનારા બધા નિર્માતા અને દિગ્દર્શકોનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું. પરિણીતા, ભૂલભૂલૈયા, લગે રહો મુન્નાભાઇ, કહાની, અને મિશન મંગલ વગેરે જેવી સફળ અને,મજેદાર ફિલ્મોમાં વિવિધ પ્રકારનાં પાત્રો ભજવનારી વિદ્યા બાલન બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે,મારી કારકિર્દીમાં ડર્ટી પિક્ચર અનેતેની ભૂમિકાએ બહુ મહત્વનું યોગદાન આપ્યું છે.

ડર્ટી પિક્ચર દરમિયાન હું સતત વિચારતી કે આ ફિલ્મ મારી સમગ્ર કારકિર્દી માટે સીમાચિહ્નરૂપ બની રહેશે.મારે મનમાં એક સેક્સી અભિનેત્રીનો ભાવ પેદા કરવાનો છે અને તો જ દર્શકોપણપડદા પર મને સેક્સી અભિનેત્રીના રૂપમાં નિહાળશે.મારો આ પ્રયોગ ખરેખર સફળ થયો હતો અને દર્શકોએ તે ફિલ્મને બહોળો આવકાર આપ્યો હતો. મુંબઇના સામાન્ય તમિળ કુટુંબમાં જન્મેલી અને ઉછરેલી વિદ્યા બાલન એકાદ-બે મજેદાર પ્રસંગો વિશે કહે છે, અમે ૨૦૦૭માં  જયપુરમાં ભૂલભૂલૈયા ફિલ્મનું શૂટિંગ કરતાં હતાં.હું દરરોજ જયપુરના પ્રસિદ્ધ આમ્બેર કિલ્લા પાસેથી પસાર થતી અને ત્યાંના એક હાથીને એકાદ ફળ ખવડાવતી.હું વિશાળ કદના હાથીને બહુ ધ્યાનથી જોતી રહેતી.ખરું કહું તો આવા દરરોજના નિયમથી તે હાથી પ્રત્યે મારા હૃદયમાં પ્રેમ ઉભરી આવ્યો.

થોડા દિવસ બાદ મેં મુંબઇ મારાં માતાપિતાને ટેલિફોન કરીને સીધું જ પૂછી લીધું કે આપણે હાથી ખરીદી શકીએ કે કેમ ? મારા પિતાજીએ જબરી જોક કરતાં કહ્યું,એક બસ નથી કે શું?આમ છતાં હું તેમને દરરોજ ફોન કરીને હાથી ઘરે લઇ આવવા  અને તમે મારી આ વાત વિશે શું વિચારો છો ?એવું  પૂછતી રહેતી.બસ,પછી તો મારાં માતાપિતાએ મારી સાથે ફોન પર વાત કરવાનું જ બંધ કરી દીધું.મને પણ ખ્યાલ આવ્યો કે અમે મુંબઇના બહુમાળી ઘરમાં હાથીને તો ન જ રાખી શકીએ. 

  બીજો પ્રસંગ મારી મોટી બહેન પ્રિયા મારા માટે માતા સમાન છે.એટલે કે પ્રિયા એક મા ની જેમ મારું ધ્યાન રાખે છે.પ્રિયાને એક મિત્ર હતો.સાવ સાચું કહું તો પ્રિયાના તે મિત્ર પ્રત્યે ભીની ભીની અને લીલીછમ લાગણી પાંગરી હતી.જોકે મેં મારી આવી લાગણી મનમાં જ રાખી હતી.સમય જતાં મને મારી બહેન અને તેના મિત્ર વચ્ચેના સાચા પ્રેમ સંબંધ વિશે જાણ થઇ ત્યારે મેં મારી પેલી લાગણીને કાયમ માટે ધરબી દેવાનો નિર્ણય કર્યો.

બોલીવુડમાં એક વિચારશીલ અભિનેત્રી ગણાતી વિદ્યા બાલન ભારતમાં બનતી બળાત્કારની ઘટનાઓ વિશે કહે છે,આપણા દેશમાં આવી શરમજનક ઘટનાઓ કાંઇ આજકાલની નથી. ૧૦-૨૦ વરસ પહેલાં પણ બનતી પણ તેની જાણ આખા સમાજને નહોતી થતી.આમ છતાં હમણાં હમણાં બળાત્કારની જે ઘટનાઓ બની છે તેનાથી મારાં મન-હૃદયમાં રોષ-આક્રોશનો જ્વાળામુખી ભભૂકી ઉઠયો છે.આવી ઘટનાઓ ન બને તે માટે દેશમાં અતિ કડક કાયદા હોવા જોઇએઅને તેનું પાલન પણ લોખંડી રીતે થવું જરૂરી છે.

મેં દ્રઢ આત્મવિશ્વાસથી બોલીવુડમાં સફળતા મેળવી છે: વિદ્યા બાલન was originally published on News4gujarati