– ખેડૂતોને સૌર ઉર્જા તરફ લઇ જવાનો પ્રયાસ

– ખેડૂતોની આવક બમણી કરવા 2.83 લાખ કરોડની જોગવાઇ, 16 પોઇન્ટનો પ્લાન તૈયાર : નાણા પ્રધાન

2020ના સામાન્ય બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સિતારામને ખેડૂતો માટે પણ કેટલીક જાહેરાત કરી છે. સિતારામને કહ્યું છે કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને ધ્યાનમાં રાખીને પીએમ કુસુમ સ્કીમની જાહેરાત કરી છે.

આ સ્કીમ અંતર્ગત દેશના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આશરે 20 લાખ ખેડૂતોને સોલર પંપ આપવામાં આવશે, સાથે દાવો કર્યો હતો કે આ પંપની મદદથી ખેડૂતોને પાણીની જે અછત રહે છે તેને પહોંચી વળવામાં લાભ મળશે. 

આ ઉપરાંત નાણા પ્રધાને પીપીપી મોડલના આધારે કિસાન રેલ ચલાવવાની જાહેરાત કરી છે, આ ટ્રેનનો ઉપયોગ કૃષી સામાન, ખેત પેદાશો જેવી કે દુધ, ફિશ, વગેરે વસ્તુઓને લાવવા લઇ જવા માટે કરાશે.

સાથે જ કૃષી ઉડાન લોંચ કરવામાં આવશે જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રૂટને આવરી લેવાશે. જૈવીક ખેતી પોર્ટલ અંતર્ગત ઓનલાઇન નેશનલ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ માર્કેટને મજબુત બનાવવામાં આવશે. 

સિતારામને દાવો કર્યો હતો કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે. અને તે દિશામાં સરકાર પ્રયાસો કરી રહી છે. સરકારે કૃષી ક્ષેત્ર માટે 16 એક્શન પ્લાન તૈયાર કર્યો છે, આ પ્લાન 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટેનો છે. જેમાં પીએમ કુસુમ સ્કીમ, રેલ કિસાન અને કૃષી ઉડાન જેવી સ્કીમોને આવરી લેવાઇ છે. 

2025 સુધીમાં મિલ્ક પ્રોસેસિંગ કેપેસિટીને ડબલ કરવાનું પણ આયોજન છે. કૃષી સિંચાઇ યોજના માટે સરકારે 2.83 લાખ કરોડ રૂપિયાની જોગવાઇ છે. સાથે જ કેમિકલ ફર્ટિલાઇઝર ઇંસેટિવની પદ્ધતી બદલવામાં આવશે.

કૃષી માર્કેટમાં સુધારા માટે એક જિલ્લો એક પ્રોડક્ટનુ આયોજન સરકારે ઘડયું છે જે અંતર્ગત હોર્ટિકલ્ચર સેક્ટરમાં વિકાસ કરવામાં આવશે. સરકારે સૌર ઉર્જા પર વધુ ધ્યાન આપ્યું છે. સૌર ઉર્જાનું ખેડૂતો પોતે ઉત્પાદન કરી શકે અને તેને બાદમાં વેચી શકે તેવી યોજનાઓ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.

દેવા માફી સહિતની અનેક આશા રાખી બેઠેલા ખેડૂતો માટે કોઇ બહુ મોટી જાહેરાત આ બજેટમાં નથી કરવામાં આવી. નાબાર્ડ રિ ફાઇનાન્સ સ્કીમને લંબાવવામાં આવશે. કૃષી ક્રેડિટનો ટાર્ગેટ 2020-21 માટે 15 લાખ કરોડ આંકવામાં આવ્યો છે. આ સાથે જ ખેડૂતોને 15 લાખ કરોડ રૂપિયાની લોન આપવાનું આયોજન પણ છે.

20 લાખ ખેડૂતોને સોલર પંપ મળશે, 15 લાખ કરોડ લોન આપવા લક્ષ્યાંક was originally published on News4gujarati