• વિદ્યાર્થી 30 મિનિટમાં હાજર થશે તો જ સીલ ખોલાશે
  • બોર્ડની પરીક્ષા પહેલા કોઈ પણ ગેરરીતિ ન થાય તે માટે સ્કૂલોને સખત પગલાં લેવાની સૂચના અપાઈ

અમદાવાદ: માર્ચમાં શરૂ થઈ રહેલી બોર્ડની પરીક્ષા પહેલા કોઈ પણ ગેરરીતિ ન થાય તે માટે સ્કૂલોને સખત પગલાં લેવાની સૂચના અપાઈ છે. પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહેશે તો તેના પ્રશ્નપત્રને તરત જ સીલ કરી દેવાશે, જેથી ગેરહાજર વિદ્યાર્થીનું પેપર ક્યાંય બહાર ન પહોંચી શકે.

પરીક્ષા પહેલાં કેન્દ્રોમાં સીસીટીવી યોગ્ય એંગલમાં હોવાનું સુનિશ્ચિત કરવા જણાવાયું
પરીક્ષા શરૂ થતાં પહેલાં રાજ્યના તમામ ડીઇઓ અને સ્કૂલ સંચાલકોની મીટિંગ યોજાઈ હતી, જેમાં પરીક્ષા પહેલાં કેન્દ્રોમાં સીસીટીવી યોગ્ય એંગલમાં હોવાનું સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. આ વર્ષે બોર્ડે એપ્લિકેશન પર પેપરનું સીલ ખોલતો ફોટો અપલોડ કરવા જણાવ્યું છે. હવે પરીક્ષા ખંડમાં દરેક વિદ્યાર્થીને પ્રશ્નપેપર અપાયા બાદ ગેરહાજર વિદ્યાર્થીના પ્રશ્નપેપરને ખુલ્લું નહીં મુકાય. સુપરવાઇઝરે તુરંત જ ગેરહાજર વિદ્યાર્થીના પેપર સીલ બંધ કરવા પડશે. પેપર શરૂ થયાની 30 મિનિટમાં વિદ્યાર્થી આવશે તો તેને સીલ બંધ કવરમાંથી પ્રશ્નપત્ર કાઢીને આપવામાં આવશે.

છત્તીસગઢ બોર્ડે પરીક્ષા પદ્ધતિનાં વખાણ કર્યા
છત્તીસગઢ બોર્ડ મેમ્બરના ગ્રૂપે ગુજરાત બોર્ડની ઓફિસની મુલાકાત લીધી હતી. પોતાની મુલાકાતમાં તેમણે ગુજરાતની પરીક્ષા પદ્ધતિ વિશે માહિતી મેળવી હતી. ખાસ કરીને પરીક્ષામાં સીસીટીવીનું મોનિટરિંગ અને વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાના વખાણ કર્યા હતા.

પેપર ફૂટતું રોકવા સ્કૂલોને પગલાં લેવા આદેશ, બોર્ડની પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીનું પેપર સીલ કરાશે was originally published on News4gujarati