વડોદરાઃ મોતીબાગ ખાતે મંગળવારથી વડોદરા અને તામિલનાડુ વચ્ચે રણજી મેચનો પ્રારંભ થશે ત્યારે હાર્ડ હીટર અને ઓલરાઉન્ડર યુસુફ પઠાણ વડોદરા વતી પ્રથમ કક્ષાની 100મી મેચ રમશે. યુ્સુફ પઠાણે તેની ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ બરોડા સ્પોર્ટ્સ કલબ સાથે કર્યો હતો.તેણે 2001માં ડિસેમ્બર માસમાં સૌરાષ્ટ સામે રણજી રમી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. યુસુફ અત્યાર સુધી પ્રથમ કક્ષાની 99 મેચ રમ્યો છે. જે પૈકી 156 દાવમાં 18 વાર નોટ આઉટ રહ્યો છે અને 11 સદી અને 20 અર્ધ સદી સાથે 4811 રન કર્યા છે.તેનો સર્વોચ્ચ સ્કોર 210 નોટઆઉટ છે. તેણે રણજીમાં 199 વિકેટો પણ લીધી છે. પાંચ વિકેટ 14 વખત લીધી છે.

પ્રણવ અમીન સન્માન કરશે
આ ઉપરાંત ટી-20 વિશ્વકપ 2008ની ફાઇનલમાં તે રમ્યો હતો. ભારત વતી તે 22 ટી-20 મેચ રમ્યો છે જેમાં તેણે 11 ચોગ્ગા અને 17 છગ્ગા ફટકાર્યા હતા.જ્યારે ભારત વતી તે 57 વન-ડે રમ્યો છે, જેમાં તેણે 62 ચોગ્ગા અને 43 છગ્ગા ફટકારેલા છે. બીસીએની પ્રેસ કમિટીના ચેરમેન સત્યજીત ગાયકવાડે જણાવ્યું હતું કે, ‘મેચ પૂર્વે સવારે 8-30 વાગે બીસીએના પ્રમુખ પ્રણવ અમીનના હસ્તે યુસુફ પઠાણનું સન્માન કરવામાં આવશે.’ યુસુફના લઘુબંધુ અને પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાણ પઠાણે જણાવ્યું હતું કે, ‘યુસુફની રમત પર સ્વ.બશીરશેખનો પ્રભાવ વધુ જોવા મળતો હતો. આ ઉપરાંત બલવીરસંધુ, રશીદ પટેલ સહિતના નિષ્ણાતોએ તેને યોગ્ય યોગ્ય સુચનો કર્યા હતા. શ્રીલંકામાં તેની સાથે મળીને ભારતને વિજય અપાવ્યો હતો તે મેચ અમારા બંને માટે યાદગાર રહી છે. ત્યારે અમે બંનેએ એક બીજાને પ્રોત્સાહન આપી મેચને સંભાળી હતી.

યુસુફ પઠાણ આજે પ્રથમ કક્ષાની 100મી મેચ રમશે, BCA પ્રમુખ પ્રણવ અમીન દ્વારા સન્માન કરાશે was originally published on News4gujarati