હોસ્પિટલમાં વેન્ટિલેટરના અભાવે દર્દીઓને હાલાકી, હોસ્પિટલમાં રોજના 3500 દર્દીઓ સારવાર માટે આવે છે અને 400 એડમિટ થાય છે

અમદાવાદ :  એશિયાની નંબર વન હોસ્પિટલમાં જેની ગણના થાય છે તેવી સિવિલ હોસ્પિટલમાં વર્તાઈ છે વેન્ટિલેટરની અછત. વેન્ટીલેટરના અભાવે રોજના 30થી વધુ દર્દીઓએ સારવાર માટે જોવી પડે છે રાહ. અને તેના જ કારણે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓએ સારવાર માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે.રાજય સરકાર દ્વારા લાખો કરોડો રુપિયાના ખર્ચે 1200 બેડની હોસ્પિટલ બનાવાઈ છે. જેમાં લાખોના ખર્ચે અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં દર્દીઓની હાલાકી ઠેરની ઠેર છે કારણ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સર્જાઈ છે વેન્ટિલેટરની અછત. અને તેના કારણે દર્દીઓએ લેવો પડે છે અમ્બુઝ બેગનો સહારો. જેમાં દર્દીના સગા જ પમ્પિંગ કરીને સારવારમાં જોડાવુ પડે છે.

દર્દીના સગાઓ પણ કહી રહ્યાં છે કે હોસ્પિટલમાં સારવારની તમામ સુવિધાઓ છે પણ વેન્ટિલેટરના અભાવે તકલીફ ભોગવવી પડે છે. હિંમતનગરથી પિતાની સારવાર માટે આવેલા દર્દીના સગા કમલેશભાઈ દરજી જણાવે છે કે ‘હિંમતનગરથી આવ્યા છીએ તેમને બીપીની તકલીફ છે. હાલ સારવાર થઈ રહી છે વેન્ટિલેટરની જરુર છે વેન્ટિલેટર મળ્યું નથી.’ તો અમદાવાદ સિવિલમાં છાશવારે સર્જાતી  વેન્ટિલેટરની અછતના કારણે અને વેન્ટિલેટર નહિ મળવાના કારણે દર્દીઓ મરી રહ્યાં છે.

હાલ 30થી 40 દર્દીનુ રોજનું વેઈટિંગ

તો ઘણીવાર દર્દીઓના સગા અને તબીબો વચ્ચે તકરાર અને મારામારીની ઘટનાઓ પણ બને છે. આ મામલે જગદીશ માલી નામના અરજદારે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સુધી રજુઆત કરી વેન્ટિલેટરની વ્યવસ્થા વધારવા માંગ કરી છે. તેમણે ત્રણ મહિના પણ સરકાર અને આરોગ્ય મંત્રીને પત્ર લખી વેન્ટિલેટરની અછત હોવાની જાણ કરી છે. હાલ 30થી 40 દર્દીનુ રોજનું વેઈટિંગ છે તેમ છતાં તેના પગલા કેમ લેવાતા નથી.

સિવિલ હૉસ્પિટલમાં રોજ 30-40 દર્દીઓ વેન્ટિલેટર વગર તડપી રહ્યા છે.

રોજના 3500 દર્દીઓ સારવાર માટે ટ્રોમાસેન્ટરમાં નોંધાય છે

એવું નથી કે હોસ્પિટલના સત્તાધીશો વેન્ટીલેટરની અછતથી અજાણ છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જી એચ. રાઠોડ પણ કહી રહ્યાં છે કે હોસ્પિટલમાં 160 વેન્ટિલેટર છે. સિવિલ હોસ્પિટલ એક ટર્સરી કેર હોસ્પિટલ છે. જેથી માત્ર અમદાવાદ જ નહિ રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ આસપાસના રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. રોજના 3500 દર્દીઓ સારવાર માટે ટ્રોમાસેન્ટરમાં નોંધાય છે. જેમાંથી 350થી 400 દર્દીઓ કે જેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડે છે. જેથી વેન્ટિલેટર ઓછા હોવાથી રોજના 25થી 30 દર્દીઓને વેન્ટિલેટર માટે રાહ જોવાની ફરજ પડે છે.

હોસ્પિટલમાં કુલ મળી 500 વેન્ટિલેટર હોવાનો દાવો

બીજીતરફ રાજ્યના આરોગ્ય સચિવ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની અછત હોવાની વાતને નકારી રહ્યાં છે તેઓ કહી રહ્યાં છે કે સિવિલ કેમ્પસમાં આખા મેડિસિટીમાં આવતી તમામ હોસ્પિટલમાં કુલ મળી 500 વેન્ટિલેટર છે પરંતુ બિનજરુરી વેન્ટિલેટર રોકવામાં આવી રહી છે જેથી જે જરુરિયાત દર્દીને લાભ મળી રહ્યોં નથી જે માટે જાગૃતિ કાર્યક્રમ કરી રહ્યાં છે અને એક સરક્યુલર પણ લાવી રહ્યા છીએ.

હાલ તો સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરના અભાવે દર્દીઓનું વેઈટિંગ લીસ્ટ વધી રહ્યું છે અને વેન્ટિલેટરના અભાવે દર્દીઓ મોતને પણ ભેટી રહ્યાં છે ત્યારે હોસ્પિટલ સત્તાધીશો અને આરોગ્ય તંત્ર વેન્ટિલેટર વધારવાની જગ્યાએ વેન્ટિલેટરનો બિનજરુરી ઉપયોગને રોકવામાં લાગ્યા છે. તંત્રના આ અવેરનેશ કાર્યક્રમને પગલે દર્દીઓની સમસ્યા હલ થાય છે કે કેમ તે જોવું રહ્યું.

વરવી વાસ્તવિકતા : સાધનો પાછળ કરોડોનું આંધણ છતાં અમદાવાદ સિવિલમાં વેન્ટિલેટર માટે રોજ 30 દર્દીનું વેઇટિંગ was originally published on News4gujarati