તાલિમ દરમિયાન એલઆરડી પ્રિયા અને એલઆરડી સંજય વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી, બાદમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

અમદાવાદ : શહેરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બે લોક રક્ષક જવાન વચ્ચેના પ્રેમ સંબંધને લઇને વિવાદ સર્જાયો છે. બંને વચ્ચે વર્ષોથી પ્રેમ સંબંધ હતો પણ મહિલા લોક રક્ષકે લગ્ન કરી લેતા પુરૂષ લોક રક્ષક જવાને તેના સાસરે જઇને તેની સાથે ઝઘડો કરી ધમકી આપી હતી. જેથી કંટાળીને મહિલા એલઆરડીએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કૃષ્ણનગરમાં રહેતી 32 વર્ષીય પ્રિયા (નામ બદલ્યું છે) વિમેન લોક રક્ષક મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. ગત 31મી જાન્યુઆરીએ તેના લગ્ન થયા હતા. બાદમાં તે સાસરે રહેવા જતી રહી હતી. આ મહિલા લોક રક્ષક જ્યારે તાલિમમાં હતી ત્યારે તેની સાથે સંજય (નામ બદલ્યું છે) નામનો લોક રક્ષક જવાન પણ હતો. તાલિમ દરમિયાન બંને વચ્ચે સારી મિત્રતા બંધાઇ હતી. બાદમાં બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. હાલ સંજય ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. સંજય આ મહિલા એલઆરડીને અવાર નવાર લગ્ન માટે દબાણ કરતો હતો આથી મહિલા એલઆરડીએ તેની સાથે વાચચીત બંધ કરી દીધી હતી.

એટલું જ નહીં સંજય મહિલા એલઆરડીને અવાર નવાર રસ્તામાં રોકી તેને લગ્ન નહીં કરે તો તેને મારી નાખશે તેવી ધમકી આપતો હતો. જેથી મહિલા એલઆરડીએ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. ગત તા. બીજી ફેબ્રુઆરીના રોજ સંજય આ મહિલા એલઆરડીના સાસરે ગયો હતો. ત્યાં જોર જોરથી બૂમો પાડતા બધા ભેગા થઇ ગયા હતા.

મહિલા એલઆરડીએ લગ્ન કેમ કરી લીધા તેમ કહી ગાળો બોલાવા લાગ્યો હતો, બાદમાં મહિલા એલઆરડીને માથામાં પથ્થર મારી દીધો હતો. જેથી કંટાળીને મહિલા એલઆરડીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સંજય સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદ : બે LRD વચ્ચે ઇલુ ઇલુ, પણ મહિલા LRDએ લગ્ન કરી લેતા જવાન સાસરે પહોંચ્યો was originally published on News4gujarati