- આગના કારણે જર્જરિત થયેલી માર્કેટને સુડાએ સીલ માર્યું હતું
- વેપારીઓએ માર્કેટને ઘેરી લેતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
પુણા કુંભારીયા સ્થિત રઘુવીર સિલિયમ માર્કેટમાં ભયાનક આગની ઘટના બાદ બિલ્ડીંગને સુડાએ સીલ માર્યું હતું. રાત્રે કેટલાક વેપારીઓ દુકાનો ખોલીને માલ કાઢવા લાગ્યા હતા. શંકાસ્પદ રીતે વેપારીઓ માલ કાઢતા હોવાની વાત ફેલાતા માર્કેટ પર મોટી સંખ્યામાં વેપારીઓ એકઠાં થતાં વેપારીઓ સામસામે આવતાં હોબાળો મચ્યો હતો. જેને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ગેરકાયદેસર રીતે માલ કાઢી રહ્યા હોવાનો આક્ષેપ
વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, અમારી દુકાન છે જેમાં સારો માલ પડેલો છે ત્યારે અમને કેમ કાઢવા દેતા નથી. વેપારીઓ સામસામે આવી જતા મામલો તંગ બન્યો હતો. જોકે, પરિસ્થિતની જાણ થતાં પુણા પોલીસ પહોંચી હતી. વેપારીઓએ આક્ષેપ કર્યો કે, કેટલાક વેપારીઓ ગેરકાયદેસર રીતે માલ કાઢી રહ્યા છે.
ગેરકાયદે માલ કાઢનારા બેને વેપારીઓએ પકડ્યા
વેપારી જ્યંતિલાલે જણાવ્યું હતું કે, સીલ કરાયેલી રઘુવીર સિલિયમ માર્કેટમાં ઘણા વેપારીઓનો માલ પડ્યો છે. જોકે, થોડા સમયથી કેટલાક વેપારીઓ દ્વારા રાત્રે ગેરકાયદે માલ કાઢવામાં આવી હોવાની જાણ થઈ હતી. જેથી અન્ય વેપારીઓ રાત્રે માર્કેટ પહોંચ્યા હતા. જ્યાં ગેરકાયદે માલ કાઢનારા બેને પકડ્યા હતા. મારી 4 દુકાનોમાં માલ પડ્યો છે. તો અમને કેમ કાઢવા નથી દેતા.
આગ બાદ સીલ કરાયેલી રઘુવીર સિલિયમ માર્કેટમાંથી માલ કાઢવા મુદ્દે વેપારીઓ સામસામે, પોલીસ બંદોબસ્ત મૂકાયો was originally published on News4gujarati