• રાછાનો યુવક ચીનથી પરત આવ્યો હતો
  • સારવાર માટે સુરતની સિવિલમાં આવ્યો હતો

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વરાછાનો સારવાર માટે આવેલો શંકાસ્પદ કોરોના વાઇરસનો દર્દી ગત રોજ ભાગી જતા તંત્ર દોડતું થયું હતું. દરમિયાન આજે દર્દીનું પરિવાર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને મળવા પહોંચ્યું હતું. સુપ્રિટેન્ડન્ટના સમજાવ્યા બાદ દર્દી સેમ્પલ આપવા તૈયાર થયા છે.

ભાગી ગયેલા દર્દીનો પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો

ન્યૂઝ પેપરમાં કોરોના વાઈરસનો દર્દી ભાગી ગયાના અહેવાલ વાંચ્યા બાદ દર્દીનો પરિવાર આજે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ત્યારબાદ આરએમઓ(રેસિડેન્ટ મેડિકલ ઓફિસર)ને મળ્યા હતા. આરએમઓએ સુપ્રિટેન્ડન્ટને મળવાનું સૂચન કર્યું હતું અને ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટને મળ્યા બાદ ઘરે રવાના થયા હતા. જોકે, પરિવારમાં એક નિરાશા અને ભય પણ જોવા મળ્યો હતો.

ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટના સમજાવ્યા બાદ પરિવાર સેમ્પલ આપવા તૈયાર

કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દી ભાગી જવા અંગે ઇન્ચાર્જ સિવિલ સુપ્રિટેન્ડન્ટ પ્રીતિ કાપડિયાએ જણાવ્યું હતું કે, દર્દીને તપાસ માટે લવાયો હતો. ગડફાની તપાસ બાદ દર્દી ગભરાઈ ગયો હતો. ત્યારબાદ તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો. જોકે, ડરના મારે દર્દી ઘરે ચાલી ગયો હતો. જેને લઈ સુપ્રિટેન્ડન્ટ કચેરી દ્વારા કલેક્ટરને જાણ કરાઈ હતી. જ્યાંથી પોલીસને જાણ કરાઈ હતી. આજે ન્યૂઝ પેપરમાં આર્ટિકલ વાંચી પરિવાર મળવા આવ્યો હતો અને સમજાવ્યા બાદ શંકાસ્પદ દર્દીને તેનો જ ભાઈ લઈને આવશે અને સેમ્પલ આપવા તૈયારી બતાવી છે.

પોલીસે ફોન કર્યો તો કહ્યું, ‘લગ્નમાં જવાનું છે.’
મંગળવારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વરાછાનો 25 વર્ષનો યુવાન સારવાર માટે આવ્યો હતો. તે 8 જાન્યુઆરીએ ચીનથી પરત ફર્યો હતો. આ યુવાનને શરદી ખાંસી જણાતાં ડો. વિવેક ગર્ગે તેના પ્રાથમિક તપાસ માટે આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યો હતો. સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં આ દર્દી આરએમઓને મળવા માટે જવાનું કહીને ભાગી ગયો હતો. પોલીસને જાણ કરતાં ખટોદરા અને વરાછા પોલીસે ફોન પર તેનો સંપર્ક કરતા તે લગ્ન પ્રસંગમાં ગયો હોવાનું જાણ‌વા મળ્યું હતું.
8 જાન્યુઆરીએ ચીનથી સુરત આવ્યો હતો
પોલીસ તેને શોધી રહી છે ત્યારે ભાસ્કરની ટીમે પણ આ યુવાનની શોધખોળ આદરી હતી. જેમાં યુવકે લખાવેલા સરનામાને આધારે સોસાયટી સુધી પહોંચી ગઇ હતી. જોકે, સોસાયટી મોટી હોવાથી તેમજ આ નામના વ્યક્તિને સ્થાનિક લોકો ઓળખતા નહીં હોવાનું જણાવ્યું હતું. જોકે, સિવિલના ચોપડે નોંધાયા પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં સોમવારે 25 વર્ષનો યુવાન શરદી ખાંસીના લક્ષણો સાથે આવ્યો હતો. તે 8 જાન્યુઆરીએ ચીનથી સુરત આવ્યો હતો. તબીબોએ બે કલાક સુધી તેને આઇસોલેશન વોર્ડમાં રાખીને તપાસ કરી હતી. બાદમાં ઘરની બહાર નહીં જવાની સલાહ આપી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરી છે
શંકાસ્પદ કોરોનાનો દર્દી ભાગી જતાં તાત્કાલિક પોલીસ અને જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરી છે.> ડો. કેતન નાયક, આરએમઓ

શંકાસ્પદ વ્યક્તિને સિવિલમાં મોકલાય છે
આરોગ્ય અધિકારી ડો. પી. ઉમરીગરે જણાવ્યું હતું કે,અમારી ટીમ ચીનથી આવેલા લોકોનું 14 દિવસ ઓબ્ઝર્વેશન કરે છે અને શંકાસ્પદ જણાય તો સિવિલ હોસ્પિટલમાં મોકલી આપે છે.

કોરોના વાઇરસનો શંકાસ્પદ દર્દી સિવિલના આઇસોલેશન વોર્ડમાંથી જતા રહ્યા બાદ પરિવાર દોડી આવ્યું, દર્દી સેમ્પલ આપવા તૈયાર was originally published on News4gujarati