વારંવાર પેપર ફૂટવાની ઘટના અટકાવવા શિક્ષણ બોર્ડે લોન્ચ કરી નવી ‘પેપર ટ્રેકિંગ સિસ્ટમ એપ’

જરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ-2020માં લેવાનારી ધો.10 અને 12ની પરીક્ષામાં પેપર ફૂટવાની, પેપર પરીક્ષા કેન્દ્રો પર મોડાં પહોંચવાની કે વહેલા પહોંચવાની ઘટનાઓ અટકાવવા માટે નવી પેપર ટ્રેકિંગ સિસ્ટમ એપ લોન્ચ કરી છે. આ મોબાઇલ એપનો પ્રથમ પ્રયોગ બુધવારે લેવાનારી ધો.9ની શિષ્યવૃત્તિની ટીએનટીની પરીક્ષામાં કરવામાં આવશે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.10 અને 12ની પરીક્ષામાં પેપર ફૂટવાની, પેપર વહેલા કે મોડાં પહોંચવાની ઘટનાઓ અટકાવવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મંગળવારે નવી મોબાઇલ એપ ‘પેપર ટ્રેકિંગ સિસ્ટમ’ લોન્ચ કરવામાં આવી છે.

કચેરીએ પહોંચ્યા પછી પણ ફોટા જોઇ શકે
આ મોબાઇલ એપથી પેપર ઝોન કચેરીની તિજોરીમાંથી નીકળશે અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચશે તેના દરેક સ્ટેપના ફોટા ડીઇઓ અને ઝોનલ અધિકારીઓને ઓનલાઇન જોવા મળશે. એટલે કે ઝોન કચેરીમાંથી પેપર લઇ રૂટ અધિકારી નીકળશે તેના ફોટા, પછી જે તે રૂટ પર થઇ પરીક્ષા કેન્દ્ર પર પહોંચશે ત્યારના ફોટા, ત્યારબાદ કેન્દ્ર પર પેપરો કઇ કન્ડિશનમાં અને કેટલા વાગ્યે સ્વીકારાયા તેના ફોટા અને પરીક્ષા પૂરી થયા બાદ પરત ઝોન કચેરીએ પેપરો પહોંચ્યા તેના ફોટા આ મોબાઇલ એપ પર જોવા મળશે.

ધો.9ની સ્કોલરશિપની પરીક્ષામાં આજે પ્રથમ પ્રયોગ
ધો.9ની સ્કોલરશિપ માટેની એમએચઆરડીની ટીએનટીની પરીક્ષા બુધવારે શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર છે તેમાં આ મોબાઇલ એપનો પ્રથમ પ્રયોગ કરવામાં આવશે. દર મહિને રૂ.1200ની સ્કોલરશિપ આપતી આ પરીક્ષામાં રાજકોટ શહેર-જિલ્લામાં 2686 વિદ્યાર્થી નોંધાયા છે અને તેમના માટે રાજકોટ શહેરના 6 તથા ધોરાજી, જેતપુર, જામકંડોરણા, ઉપલેટા, ગોંડલ, જસદણના 1-1 કેન્દ્રો મળી કુલ 13 કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ડિસ્પેચથી સીલ સુધીની તમામ પ્રક્રિયાનું મોનિટરિંગ
પેપર ટ્રેકિંગ સિસ્ટમથી ડીઈઓ અને ઝોનલ અધિકારી દ્વારા ઝોન કચેરીમાંથી પેપર પરીક્ષા કેન્દ્ર માટે ડિસ્પેચ કરાય ત્યારથી લઈને ઉત્તરવહીઓ લખાઈને સીલ થઈને પરત આવે ત્યાં સુધીની દરેક પ્રક્રિયાનું પળેપળનું મોનિટરિંગ કરી શકાશે. જેથી કોઈપણ સ્થળે ગેરરિતિનો અવકાશ રહેશે નહીં.

વીડિયો કોન્ફરન્સમાં અપાઈ નવી સિસ્ટમની માહિતી
શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પેપર ટ્રેકિંગ સિસ્ટમની મોબાઈલ એપની માહિતી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આપવા માટે મંગળવારે બપોર બાદ વિડિયો કોન્ફરન્સ યોજી હતી અને તેમાં મોબાઈલ એપના લોન્ચિંગની સાથોસાથ તેના ઉપયોગની સિસ્ટમ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.

ધો.10-12ના પેપર તિજોરીથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે ત્યાં સુધી ઓનલાઈન જોઈ શકશે was originally published on News4gujarati