97.67 લાખનો વેરો ભરવાનો બાકી હોય રાજકોટ મનપાએ બીગ બજાર સીલ કર્યું

રાજકોટ મહાનગરપાલિકાએ બાકીદારો પર મેગા ઝુંબેશ શરૂ કરી છે. 36 ટીમોને 18 વોર્ડમાં મિલકતવેરો વસૂલવા માટે ઉતારી છે. બીગ બજારનો 97,67,177 રૂપિયાનો વેરો ભરવાનો બાકી હોય આજે મનપાએ તેને સીલ કરી દીધું છે. બીગ બજાર સીલ થતા હજારો લોકોને તેની અસર પહોંચશે. તેમજ વિજયકાંત ફાઉન્ડરી, પેન્ટાલૂન, રાધેક્રિષ્ના જ્વેલર્સ સહિતની મિલકતો સીલ કરવામાં આવી છે .142 મિલકત સીલ કરી એક કરોડની વસુલાત કરવામાં આવી છે.

1.08 કરોડ રૂપિયા વસુલાયા

આ ઝુંબેશ હેઠળ સેન્ટ્રલ ઝોનમાં 41 મિલ્કતોને સીલ માર્યું તથા રીકવરી રૂ.31,86,341, વેસ્ટ ઝોનમાં 50 મિલકતોને સીલ માર્યું તથા રીકવરી રૂ. 37,76,089, ઈસ્ટ ઝોનમાં 51 મિલકતોને સીલ માર્યું તથા રીકવરી રૂ. 37,75,000 થઈ. આમ આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા 142 યુનિટને સીલ મરાયા તથા રીકવરી 1.08 કરોડ રૂપિયા વસુલાયા છે.

260 કરોડનો વેરા વસુલાત શાખાનો લક્ષ્યાંક

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા બીગ બજારને સીલ કરતા જ બાકીદારોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આજે 100થી વધુ મિલકતો સિલ કરવામાં આવશે. ચાલુ વર્ષે 260 કરોડનો વેરા વસુલાત શાખાનો લક્ષ્યાંક છે. અંદાજીત 2 મહિનામાં 100કરોડની વસુલાત કરવાની છે.

300 કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા: કમિશનર

મનપા કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, તમામ વોર્ડમાં વેરા વસુલાતની ટીમો દ્વારા સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 300 કર્મચારીઓ વેરો વસુલાત માટે કામે લાગ્યા છે. વેરાના બાકીદારો સામે કોર્પોરેશને લાલ આંખ કરી છે.

બાકીદારો પર મનપાની તવાઇ, 36 ટીમોનું 18 વોર્ડમાં ઓપરેશન, બીગ બજાર સહિત 142 મિલકત સીલ, એક કરોડની વસુલાત was originally published on News4gujarati