સેશન્સમાં જામીન નામંજૂર થતાં હાઇકોર્ટમાં અરજી કરી હતી

બિટકનેક્ટ કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમના હાથે ઝડપાયેલાં આરોપી સતીષ કુંભાણી, ધવલ માવાણી અને સુરેશ ગોરસિયાની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. આરોપીઓ તરફે એડવોકેટ ઝમીર શેખ અને દિલિપ કામાણી દ્વારા દલીલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે સતીષ કુંભાણીને લગતા બિટકનેક્ટ સ્કેન્ડલમાં રૂપિયા બે હજાર કરોડનું ટ્રાન્ઝેકશન થયું હોવાનું કહેવાય છે. બિટક્નેક્ટ સ્કેન્ડલમાં માનવ ડિજીટલ માર્કેટિંગના પ્રમોટર સતીષ કુંભાણીની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી હતી. તેની સાથે વહીવટકર્તા સુરેશ ગોરસિયા અને ડેવલપર ધવલ માવાણીને પણ પકડી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો હતો. આરોપીઓ સામે સીઆઇડી ક્રાઇમે ચાર હજાર પાનાની દળદાર ચાર્જશીટ રજૂ કરી હતી. આ દરમિયાન આરોપીઓ દ્વારા કરવામાં આવેલી જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. આથી આરોપીઓ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. જ્યાં દલીલો બાદ કોર્ટે શરતોના આધારે જામીન મંજૂર કર્યા હતા.

ત્રણેય આરોપીઓ છેલ્લા છ માસથી જેલમાં
ત્રણેય આરોપીઓ છેલ્લાં છ માસથી જેલમાં છે. આરોપી સામે સીઆઇડી ક્રાઇમમાં તા 21મી જુલાઇ, 2018ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અશ્વીન લિંબાચિયાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી સામે રજૂ કરાયેલી ચાર્જશીટમાં 125 સાહેદ હતા અને તપાસ દરમિયાન 94 દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા હતા.

બિટકનેક્ટ કૌભાંડમાં સતીષ કુંભાણી, ધવલ અને ગોરસિયાના જામીન મંજૂર was originally published on News4gujarati