• સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે સિન્ડિકેટની બેઠક
  • ડો.ઝાલા સહિતના અનેક વિવાદાસ્પદ પ્રકરણોમાં કરાશે નિર્ણય
  • 440 જેટલા પ્લેસમેન્ટ કર્મચારીઓને ફરી આઉટ સોર્સિંગ એજન્સી હેઠળ સમાવવા અંગનો નિર્ણય થશેો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે સિન્ડિકેટની બેઠક મળનારી છે જેમાં 20 જેટલી અલગ-અલગ દરખાસ્તો કરવામાં આવનાર છે જેમાં સૌથી મહત્ત્વની કહી શકાય તેવી દરખાસ્ત વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી અને હેરેસમેન્ટ બાબતે ઝડપી અને પારદર્શક કાર્યવાહી કરવામાં આવે. વુમન્સ સેલ કમિટી સંપૂર્ણ રીતે યુજીસીની ગાઇડલાઇન મુજબ રચવામાં આવે અને તેમાં યુનિવર્સિટીની બહારના હોય તથા લીગલના જાણકાર હોય તેવા મહિલાની નિમણૂક કરવામાં આવે આ સંદર્ભે અધ:પતન જાતીય સતામણી કે યુનિવર્સિટીને લાંછન લાગે તેમ હોય તેવા કિસ્સામાં કોઇપણ પ્રકારની ફરિયાદ કરવામાં ન આવી હોય તેમ છતાં યુનિવર્સિટી તપાસ સમિતિ રચી તેના આધાર-પુરાવા સહિતના રિપોર્ટના આધારે પોતાની કાર્યવાહી કરી શકે તે માટે ચોક્કસ નીતિ ઘડવા સેનેટ સભ્ય ડો.સુરભી દવેએ પ્રસ્તાવ રજૂ કર્યો છે જેને સિન્ડિકેટ સભ્ય ડો.જી.સી.ભીમાણીએ ટેકો આપ્યો છે ત્યારે આ બાબતે ચર્ચાવિચારણાના અંતે સર્વાનુમતે નિર્ણય કરાશે. તેમજ આઉટ સોર્સિંગ એજન્સીમાંથી એક વર્ષ પહેલા યુનિવર્સિટીના પ્લેસમેન્ટમાં સમાવાયેલા 440 જેટલા કર્મચારીને ફરી આઉટ સોર્સિંગ એજન્સીની હેઠળ મૂકવા અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય કરાશે.

નિવૃત કર્મચારીઓને રાખવાની પ્રથા બંધ કરવા વિચારણા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટ સેલનું માળખું ઊભું કરવા અને સેલના નીતિનિયમો નિયત કરવા તથા તેને આનુસંગિક બાબતો માટે બે નિષ્ણાતોનો અભિપ્રાય મેળવવા કમિટી નીમવામાં આવી હતી જે કમિટીના વડા નરેન્દ્રભાઇ દવેએ નિવૃત્ત કર્મચારીઓને રાખવાની પ્રથા બંધ કરવા જણાવ્યું છે. નિવૃત્ત કર્મચારીઓનો મહેનતાણાનો ખર્ચ સરકારની ગ્રાંટ સામે પડતો ન હોય તેમજ એપ્રેન્ટિસ યોજના હેઠળ પ્રતિ વર્ષ ન્યૂનતમ 2.5 ટકા મુજબ આઉટ સોર્સિંગથી ઉમેદવારોની સેવા લેવા અંગે વિચારણા કરાશે તેમજ ગત 11-1-2019ના ઠરાવથી આઉટ સોર્સિંગ એજન્સીના બદલે પ્લેસમેન્ટ સેલ હેઠળ સમાવાયેલા કર્મચારીઓના મુદ્દે ભવિષ્યમાં નિયમિત ધોરણે સમાવવાનો કાયદાકીય પ્રશ્ન ઊભો થવાની શક્યતા નિવારવા માટે 440 જેટલા કર્મચારીઓને ફરી આઉટ સોર્સિંગ એજન્સીમાં સમાવવા નિર્ણય કરાશે.

બિનશૈક્ષણિક જગ્યાની ભરતી પર નિર્ણય કરાશે
આ ઉપરાંત બી.એડ.ના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા, સરકારી કોલેજોને યુનિવર્સિટીના ડેવલપમેન્ટ ફંડ અને સ્પોર્ટસ ફીમાંથી રમતગમતના અને અન્ય શૈક્ષણિક સાધનો આપવામાં આવે, જે વિષયમાં સ્નાતક, અનુસ્નાતક અને એમ.ફિલ.માં પ્રથમ આવનારને ગોલ્ડ મેડલ અપાતો ન હોય તેમને યુનિવર્સિટીએ પોતાના ફંડમાંથી સુવર્ણ ચંદ્રક આપવો, જામનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાની સાયન્સ કોલેજમાં એમ.એસસી. શરૂ કરવા, ઉત્તરવહીની આરટીઆઇ હેઠળ નકલ માગનારને પુન:મૂલ્યાંકન કરી ગુણ સુધારો કરી આપવા સહિતની દરખાસ્ત કરવામાં આવી છે. તેમજ અમરેલીની માતૃશ્રી દયાળજી કોટક લો કોલેજનું નામ બદલી માતૃશ્રી જડીબા પરષોત્તમ ખેની લો કોલેજ કરવા દરખાસ્ત કરાઇ છે. તેમજ બિન શૈક્ષણિક જગ્યાઓની ભરતીની લાયકાતમાં સુધારા અંગે પણ નિર્ણય કરાશે.

મહિલાઓની જાતીય સતામણી બાબતે ફરિયાદ ન હોય તેવા કિસ્સામાં તપાસ કરવા અંગે કરાશે નિર્ણય was originally published on News4gujarati