• વ્યાજે લીધેલા દોઢ લાખના 7 લાખ, 2.10 લાખ સામે 3.65 લાખ ચૂકવ્યા છતાં વધુ વ્યાજના રૂપિયા માંગી હેરાન કરે છે
  • ફરિયાદીએ ત્રણ વર્ષ પહેલા કેદી પાસેથી દોઢ લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા, નવું એક્સીસ પણ પડાવી ગયો

રાજકોટમાં ફરી વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. રાજકોટ જેલમાંથી હત્યાના કેદીએ ફોન કરી વ્યાજ માટે ધમકી આપ્યાની બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મોરબી રોડ વેલનાથપરામા રહેતા ઋષિ ઠાકરે જેલમાં રહેલા ભીસ્તીવાડના રીયાઝ દલ, શાહરૂખ સીરાજ ઝુણેજા અને પોપટપરામાં રહેતા શાહરૂખ ઉર્ફે રાજા જુણેજા સામે ફરિયાદ નોંધાવી છે.બીમાર પિતાની સારવાર માટે વ્યાજે લીધેલા દોઢ લાખના 7 લાખ, 2.10 લાખ સામે 3.65 લાખ ચૂકવ્યા છતાં વધુ વ્યાજના રૂપિયા માંગી હેરાન કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદી તેની પત્ની, પુત્ર અને સાળાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જેલમાં ફોન, પાન, મસાલા સાથેના દડાના ઘા રિયાઝ દલ માટે કરવામાં આવતા હોવાની શક્યતા છે.

ફરિયાદી ઋષિ ઠાકરે 2017માં દોઢ લાખ 10 ટકા વ્યાજે લીધા હતા

રૂષી ઠાકરે ફરિયાદમાં જણાવ્યું છે કે હું કુટુંબીજનો સાથે રહુ છું અને હાલ પ્રાઇવેટ નોકરી કરૂ છું. અગાઉ હરિહર ચોકમાં સ્ટેશનરીનો વેપાર કરતો હતો. જે હાલ વ્યાજખોરોના ત્રાસથી બંધ કરી દેવો પડ્યો છે. મારા પિતા રસિકભાઇ ત્રિભુવનદાસ ઠાકરને તાણ આંચકીની બીમારી છે. માતા હયાત નથી. ત્રણેક વર્ષ પહેલા 2017માં હું ચૌધરી હાઇસ્કૂલ પાસે રાઠોડ હોસ્પિટલ પાછળ કસ્તુરબા રોડ પર બંધ શેરીમાં રહેતો હતો. મારા પિતાને બીમારી હોય તેની સારવાર માટે મિત્ર રિયાઝ દલ પાસેથી રૂ. દોઢ લાખ નવેમ્બર 2017માં 10 ટકા વ્યાજેથી લીધા હતાં. આ રૂપિયા સહિત કુલ 7 લાખ મે તેને 2018 જાન્યુઆરીમાં ચૂકવી દીધા હતાં. આમ છતાં તે વધુ વ્યાજ માંગતો હતો અને અવાર-નવાર ઝઘડા શરૂ કર્યા હતાં.

મારા પરિવારને મારી નાખવાની ધમકી આપે છે

તે મારી પાસેથી તેના અંગત ખર્ચાઓ જેમ કે કપડા લેવાના, તહેવારના ખર્ચ પણ લઇ લેતો હતો. ચૌધરી હાઈસ્કૂલ પાસેના મારા ઘરેથી તે મારું નવેનવું નંબર વગરનું એક્સીસ પણ બળજબરીથી લઇ ગયો હતો અને મને તથા મારા પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. તે વખતે મે એ-ડિવીઝનમાં અરજી કરી હતી. તે દોઢ વર્ષથી મર્ડરના કેસમાં પોપટપરા જેલમાં છે અને જેલમાંથી ઉઘરાણીના ફોન કરી ધમકી આપે છે.

રાજકોટ જેલમાંથી હત્યાના કેદીએ ફોન કરી વ્યાજ આપવા માટે પરિવારને મારી નાખવાની ધમકી આપી was originally published on News4gujarati