- આરોપીએ અલગ અલગ કંપની બનાવી છેતરપિંડી કરી હતી
- ફ્લેટ અને દુકાનોના બુકિંગ માટે રૂ. 135 કરોડ કેશ લીધાં
- ITની 200 કરોડની ઉઘરાણીની શક્યતા
જીએસટી લાગુ થયા બાદ બિલ્ડરને ત્યાંના સૌથી મોટા ઓપરેશનમાં ડીજીજીઆઇએ રાજમહલ ડેવલપર્સના મુખ્ય કર્તાહર્તા અને પીપલોદના હરી એપાર્ટમેન્ટમાં રહેતા 54 વર્ષીય રમેશ ગુપ્તાને જેલ હવાલે કર્યો હતો. સર્ચ ઓપરેશનમાં ડેવલપર્સને ત્યાંથી ડાયરીઓ અને ચિઠ્ઠીઓ કબજે કરાઈ હતી. જેમાં બિલ્ડર ગ્રુપ દ્વારા દુકાનો વેચીને રૂ.135 કરોડ બુકિંગ રૂપે રોકડા લીધાં હોવાનું અને જીએસટી રિટર્ન સુધ્ધાં ફાઇલ કરાયું ન હોવાનું પણ સામે આવ્યુ હતુ. હાલ 19 કરોડની જીએસટી ચોરીનો કેસ આરોપી બિલ્ડર સામે દાખલ કરાયો છે. રમેશ ગુપ્તાને કોર્ટમાં રજૂ કરાતા ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટે જેલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. જાણકારો કહે છે કે, આ કેસમાં બિલ્ડર ગ્રુપનો મરો આઇટીની કાર્યવાહી હેઠળ થશે. જેમાં બિલ્ડર ગ્રુપને 200 કરોડ સુધીનો ટેક્સ ભરવો પડી શકે છે.ડીજીજીઆઇના અધિકારીઓના જણાવ્યા મુજબ ગોડાદરાના રાજમહલ મોલ ઉપરાંત વેસુ ખાતે ઓફિસ ધરાવતા રાજમહલ ડેવલપર્સને ત્યાં સર્ચ ઓપરેશન કરાયું હતું. જેમાં મુખ્ય ઓફિસ ઉપરાંત સાઇટ, પાર્ટનર અને એકાઉન્ટન્ટને સાણસામાં લેવાયા હતા. તપાસમાં ભટારના સિલ્વર પોઈન્ટમાં ઓફિસ પણ મળી હતી, જે રેકર્ડ પર બતાવાઈ ન હતી.
ફાઇનાન્સરો અને NRIનું રોકાણ હોવાની શંકા
તપાસકર્તા અધિકારી કહે છે કે ડાયરીઓ અને કોમ્પ્યુટર પ્રિન્ટ આઉટ મારફત 135 કરોડના વ્યવહારો સામે આવ્યા છે. જેમાં મોટાભાગના રૂપિયા ઇન્વેસ્ટરોના છે, ઉપરાંત કેટલાંક ફાયનાન્સર, માલેતુજાર દલાલો પણ તેમાં સામેલ છે. એનઆરઆઇનું પણ ઇન્વેસ્ટમેન્ટ હોવાની શંકા અધિકારીઓને છે. ઉપરાંત રાજય બહારના મોટા વેપારીઓ પણ તેમાં હોય શકે છે. હાલ આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. કેમકે અનેક નામો અધુરા લખવામાં આવ્યા છે.
એન્ટ્રી ડાયરીમાં, ચીઠ્ઠીમાં
તપાસમાં ડાયરીઓ, ચિઠ્ઠી, ચબરખીઓ મળી હતી. જેની પર રૂપિયા 135 કરોડના રોકડના વ્યવહારોની એન્ટ્રી હતી. અધિકારીઓ કહે છે કે જીએસટી આવ્યા બાદ જે કોમર્શિયલ પ્રોજેક્ટ વેચાયા છે તેના બુકિંગ અને પેમેન્ટની એન્ટ્રીઓ તેની પર કરવામાં આવી હતી.
કુલ 19 કરોડના ટેક્સનો કેસ
અધિકારીઓએ કુલ 19 કરોડની ટેક્સચોરીનો કેસ કર્યો છે. જેમાં જીએસટી નહીં ભરવાની રકમ રૂપિયા 2.80 કરોડ છે જ્યારે 135 કરોડની રોકડ ઉઘરાણી પરનો 16 કરોડનો ટેક્સનો સમાવેશ થાય છે.
ITમાં 200 કરોડનો કેસ
આઇટીના ડીઆઇ વિંગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ કે, કોઈ બિલ્ડર રૂપિયા 20 હજારથી ઉપરની રકમ રોકડમાં લે તો 100 ટકા પેનલ્ટી લાગે છે એ જોતા 135 કરોડ પર સીધી 135ની પેનલ્ટી હશે, ટેક્સ અને વ્યાજ સહિતની રકમ ગણતા 200 કરોડ થઈ શકે છે.
કંઇ-કંઇ જગ્યાએ તપાસ
- ડિંડોલી ઓફિસ
- રિચમન્ડ પ્લાઝા, વેસુ
- રાજમહલ મોલ, સીતાનગર, પૂણાગામ
- પાર્ટનર રામાનુજ અને અખીલનું ભટાર ખાતેનું ઘર
- ભટાર ખાતેની અનરજિસ્ટર્ડ ઓફિસ
- એકાઉન્ટન્ટ રાજેશકુમારની ગોડાદરાની ઓફિસ
કોનું સ્ટેટમેન્ટ લેવાયું
મહાવીર પ્રસાદ શર્મા (સુપરવાઇઝર), નાગેશ કુમાર લાઠ, એકાઉન્ટન્ટ, નારાયણ ખંડેલવાડ
રાજમહલ ડેવલપર્સના 8 સ્થળે DGGIના દરોડા, 19 કરોડની ટેક્સચોરી ઝડપાઇ, બિલ્ડર ગુપ્તાની ધરપકડ was originally published on News4gujarati