
વિદેશ મંત્રી એસ જયશંકર અને રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરને હાઇકોર્ટે આપી મોટી રાહત
રાજ્યસભાની ચૂંટણીમાં બંનેની જીત પર હાઇકોર્ટે મહોર લગાવી
અમદાવાદ : વિદેશ મંત્રી એસ જયશંકર અને રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરને હાઇકોર્ટે મોટી રાહત આપી છે. રાજ્યસભાની ચૂંટણીમાં બંનેની જીત પર હાઇકોર્ટે મહોર લગાવી છે. રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવાર અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીની અરજીઓને હાઈકોર્ટે ફગાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના જયશંકર ઐયર અને જુગલજી ઠાકોર સામે ગૌરવ પંડયા દ્વારા કરવામાં આવેલી જીતને પડકારતી પિટિશનને રદ કરવા માટે કરાયેલી અરજીના સંદર્ભમાં હાઇકોર્ટ સમક્ષ ગૌરવ પંડ્યા તરફથી સોંગદનામું રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના બંને ચુંટાયેલા સભ્યો તરફની પિટિશન રદ કરવાની માંગને ખોટી અને પાયાવિહોણી ગણાવી હતી.
ગૌરવ પંડ્યા તરફથી હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોંગદનામાં દલીલ કરવામાં આવી હતી કે તેમની પિટિશન રદ કરવા માટે કરાયેલી અરજીમાં તથ્યો અને વિગતો નથી એ વાત ખોટી છે. જયશંકર ઐયર અને જુગલજી ઠાકોરની જીત રદ કરવા માટે મૂળ પિટિશનમાં 5 પાનાનાં કારણો અને વિગતો આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે બે થી વધું રાજ્યોમાં અલગ અલગ ચુંટણીના ઠરાવને કાયદેસરતા આપી ન હોવા છતાં લાગુ કરવામાં આવ્યો હોવાનો સોંગદનામાં દાવો કરવામાં આવ્યો હતો.
સોંગદનામાં દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપના બંને નેતાઓ દ્વારા કોઈ ગેરરીતિ આચરવામાં આવી નથી પરતું ચૂંટણી પંચે કાયદાના નિયમોને અનુસર્યા નથી. એક પિટિશનમાં બે જુદી જુદી જીતને પડકરાવામાં આવી હોવાની વાત ખોટી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગૌરવ પંડયાએ જયશંકર ઐયર અને ચંદ્રિકા ચુડાસમાએ જુગલજી ઠાકોરની જીતને પડકારતી રિટ દાખલ કરી હતી. પાંચમી જુલાઇના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગૌરવ પંડયાનો ભાજપના એસ. જયશંકર સામે પરાજય થયો હતો અને કોંગ્રેસના ચંદ્રિકાબહેન ચુડાસમાનો ભાજપના જુગલજી ઠાકોર સામે પરાજય થયો હતો.
ગૌરવ પંડયાએ એક પિટિશનમાં એસ જયશંકર તેમજ બીજી પિટિશનમાં એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારી હતી. ચંદ્રિકાબહેન ચુડાસમાએ આવી જ રીતે એક પિટિશન જુગલજી ઠાકોર અને બીજી પિટિશન એસ. જયશંકર સામે કરી હતી. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આ ચૂંટણીમાં મતદાર હોવાથી તેમણે એક પિટિશનમાં એસ. જયશંકરની જીત પડકારી હતી, બીજીમાં જુગલજી ઠાકોરની જીત પડકારી હતી અને ત્રીજી પિટિશનમાં બંને ઉમેદવારોની જીતને સંયુક્ત રીતે પડકારવામાં આવી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકર અને રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરને હાઇકોર્ટે આપી મોટી રાહત was originally published on News4gujarati