મોત સામે ઝઝૂમી રહેલા યુવકે પાડોશીના ત્રણ સંતાનોનો જીવ બચાવ્યો
શહેરમાં આવેલા વેસુ SMC આવાસમાં આજે સવારે 6 વાગ્યાની આસપાસ ગેસ સિલિન્ડર આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. જેમાં પાંચ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સિલિન્ડર બ્લાસ્ટ થતાંની સાથે જ આસપાસના રહિશોમાં દોડધામ મચી ગઇ હતી અને ભયનો માહોલ છવાયો હતો.
સળગતા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો
બનાવની વિગત કંઇક એવી છેકે વેસુ SMC આવાસમાં પ્રવીણ શાહ (ઉ.વ. 42) પરિવાર સાથે રહેતો હતો. આજે સવારે ગેસ સિલિન્ડર એકાએક સળગવા લાગ્યો હતો. જેની જાણ પાડોશમાં રહેતા વિનોદ ગૌસ્વામી(ઉ.વ.32)ને થઇ હતી. વિનોદે સર્વપ્રથમ ઘરમાં રહેલા ત્રણ બાળકોને હેમખેમ બહાર કાઢ્યા હતા અને ગેસ સિલિન્ડરને ઓલવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ એ જ સમેયે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં વિનોદ ગંભીર રીતે દાઝી ગયો હતો. જ્યારે વિનોદની સાથે શાહ દંપતી પ્રવીણ શાહ, જ્યોત્સા શાહ, કૈલાશ ઇસી, દિનેશ અખાડે પણ ગંભીર રીતે દાઝી ગયા હતા.
ત્રણ બાળકોનો જીવ બચાવનાર પાડોશીની હાલત ગંભીર
સિલિન્ડરમાં બ્લાસ્ટના પગલે પાડોશમાં રહેતા લોકો પણ દોડી આવ્યા હતા. ગંભીર રીતે દાઝેલા પાંચેયને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણ બાળકોનો જીવ બચાવનાર પાડોશી વિનોદ હાલ મોત સામે ઝઝૂમી રહ્યો છે.
ગંભીર રીતે દાઝેલો યુવક પાનનો ગલ્લો ચલાવે છે
વેસુ આવાસમાં વિનોદ બૈજનાથ ગોસ્વામી (ઉ.વ. 32) માતા-પિતા અને બે સેતાનો સાથે રહે છે અને પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પત્નીનીના મૃત્યુ બાદ એક દીકરો અને એક દીકરીની જવાબદારી નિભાવી રહ્યો છે. આજે પાડોશમાં રહેતા પ્રવીણ શાહના ઘરમાં સળગતા સિલિન્ડરની આગને ઓલવવાના પ્રયાસ સમયે બ્લાસ્ટ થતા ગંભીર રીતે દાઝી ગયો હતો. જ્યારે પ્રવીણ શાહ ઘરેજ ટેલરનું કામ કરે છે અને જ્યોત્સના બેન બંગલામાં ઘરકામ કરે છે.
સુરતના વેસુ SMC આવાસમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો, 5 ગંભીર રીતે દાઝ્યા was originally published on News4gujarati