• સુરત દુષ્કર્મ અને હત્યા કેસમાં દોષિત અનિલ યાદવને ફાંસી આપવાનો હુક્મ કરાયો
  • 29 ફેબ્રુઆરીએ પરોઢિયે 4.30 વાગે સાબરમતી જેલમાં દોષિતને ફાસી અપાશે
  • સાબરમતી જેલમાં 1953 પછી પહેલીવાર સુરત દુષ્કર્મના આરોપીને ફાંસી અપાશે
  • સાબરમતી જેલમાં ફાંસી આપવા તિહાર અથવા યરવડાથી જલ્લાદ આવી શકે છે

અમદાવાદ- સુરત: સુરતના લિંબાયતમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપી અનિલ યાદવને ફાંસી આપ્યા બાદ સુરત સેશન્સ કોર્ટે ડેથ વોરંટ જારી કર્યું છે. 29 ફેબ્રુઆરીએ પરોઢિયે 4.30 વાગે સાબરમતી જેલમાં ફાંસી આપવાનો હુકમ કરાયો છે. જેથી સાબરમતી જેલમાં વર્ષોથી જર્જરીત અવસૃથામાં મૂકાયેલી ફાંસીની ખોલીનું સમારકામ અને કલરકામ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે. જેલમાં ગાંધીજી, સરદાર પટેલની ખોલીની બાજુમાં જ આવેલી ખોલીમાં જ ફાંસીનો માચડો તૈયાર કરવામાં આવી રહ્યો છે.

છેલ્લે 1953માં સાબરમતીમાં કાના પરબત નામના કેદીને ફાંસી આપવામાં આવી હતી
જો કાનૂની અડચણ નહી આવે તો, આરોપી અનિલ યાદવને 29મી ફેબુ્રઆરીની વહેલી સવારે સાડા ચાર વાગે ફાંસી આપવા નક્કી કરવામાં આવ્યુ છે. આ માટે ડૉક્ટર સહિતની પેનલને પણ આખરી ઓપ આપી દેવાયો છે. સાબરમતી જેલમાં 1953 પછી પહેલીવાર સુરત દુષ્કર્મના આરોપીને ફાંસી અપાશે. અત્યાર સુધી સાબરમતી જેલમાં 1, રાજકોટમાં 4 અને વડોદરા જેલમાં 3 કેદીને ‌ફાંસી અપાઈ છે. 1953માં સાબરમતી જેલમાં કાના પરબત નામના કેદીને ફાંસી આપવામાં આવી હતી.

66 વર્ષ બાદ સાબરમતી જેલમાં ફાંસી આપવામાં આવશે
સાબરમતી જેલમાં છેલ્લે વર્ષ 1953માં ફાંસી આપવામાં આવી હતી ત્યાર પછી ફાંસી આપવાની કોઇ ઘટના બની નથી. આ કારણોસર જ જેલમાં ફાંસીની ખોલી પણ જર્જરીત અવસૃથામાં જ પડી છે. આ જોતાં સાબરમતી જેલમાં 66 વર્ષ બાદ ફાંસી આપવાની ઘટના બનશે. અત્યારે તો જેલ સત્તાધીશોએ ફાંસી આપવાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા દોડધામ મચાવી છે. જેલમાં ફાંસીની ખોલીને હાઉસીંગ બોર્ડ દ્વારા રિપેરિંગ કરવામાં આવી રહી છે.

તિહાર અથવા યરવડા જેલમાંથી જલ્લાદ બોલાવી શકે
પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ સહિત અન્ય રાજયની જેમ ગુજરાતમાં વર્ષોથી જલ્લાદ જ નથી. આ જોતાં આરોપીને ફાંસી આપવા માટે નિર્ભયા કેસમાં ય મેરઠના પવન જલ્લાદની મદદ લેવાઇ હતી. હવે ગુજરાતના જેલ સત્તાધીશોએ પણ જલ્લાદ માટે તિહાર અને યવરડા જેલનો સંપર્ક સાધ્યો છે. રાજકોટ અને વડોદરામાં જેલમાં ફાંસી અપાઇ ત્યારે યરવડા જેલમાંથી જ જલ્લાદ બોલાવાયા હતા.

66 વર્ષથી જર્જરિત બનેલા ફાંસી ઘરનું રંગરોગાન શરૂ, ગાંધી-સરદાર ખોલીની બાજૂમાં છે ફાંસીનો માંચડો was originally published on News4gujarati