• શહેરમાં હજુ ડોર ટુ ડોરનાં વાહનોની અનિયમિતતા સામે ફરિયાદો યથાવત્
  • પાલિકાના દાવા મુજબ 280 વાહનો 4.50 લાખ ઘરોમાંથી કચરો ઉઠાવે છે

શહેરમાં ડોર ટુ ડોરનાં વાહનો કચરા કલેક્શન માટે ઘરે ઘરે ફરી રહ્યાં હોવાના પાલિકાના સત્તાધીશોના દાવા છે પરંતુ જો ખરેખર આ વાહનો નિયમિત રીતે અને તમામ ઘરોને આવરી લે તો એક વાહન સતત 8 કલાક દોડતું રહે તેવી સ્થિતિ છે. પાલિકાના ચોપડે વેરો ભરતી સાડા ચાર લાખથી વધુ મિલકતો છે અને પાલિકા તેમની પાસેથી સફાઇ ચાર્જ વસૂલ કરે છે. શહેરમાં કચરો ઘરેથી એકઠો કરવા માટે ચાર ઝોનમાં ચાર કોન્ટ્રાક્ટરોને ડોર ટુ ડોર કચરા કલેક્શનનો ઇજારો આપવામાં આવ્યો છે. 2018માં શહેરમાં 231 વાહનો ઘરે ઘરેથી કચરો કલેક્શન કરતાં હતાં અને તેની સંખ્યામાં 60નો વધારો થયો છે.જોકે, ફિલ્ડમાં સરેરાશ 280 વાહનો કચરા કલેક્ટ માટે ફરી રહ્યાં છે અને પાલિકા તેના માટે વર્ષે 45 કરોડ રૂપિયાનો ખર્ચો કરી રહી છે પણ તેની કામગીરી પર સંપૂર્ણ રીતે દેખરેખ રાખવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. ડોર ટુ ડોરનાં વાહનોની અનિયમિતતા મામલે ખુદ શાસક પાંખના કાઉન્સિલરોએ બુમરાણ મચાવ્યું છે અને તેમાં નિયમ વિરુદ્ધનો સામાન ભરાતો હોવાનો ઘટસ્ફોટ પણ કરાયો હતો.

એક વાહનના ફાળે 1600 ઘર આવે
આ સંજોગોમાં, શહેરની સાડા ચાર લાખ રહેણાક મિલકત પર 280 વાહનો પહોંચતાં હોય તો એક વાહનના ફાળે 1600 ઘર આવે છે. જે મુજબ, 50 મકાનની એક સોસાયટી હોય તો ડોર ટુ ડોરના વાહનને રોજ 30 સોસાયટી કવર કરવી પડે છે અને એક સોસાયટીમાં આવનજાવનનો સમય સરેરાશ 15થી 20 મિનિટનો લાગે તો તેની કામગીરી પૂરી કરતાં 8 કલાકનો સમય લાગી શકે છે. પરંતુ, ચાર કલાકમાં જ આ વાહનો દેખાતાં નથી તે પણ હકીકત છે.

વાહનોમાં વજન વધારવા તરકીબો

  • ડોર ટુ ડોરનાં વાહનોમાં વજન વધારવા માટે વિવિધ પ્રકારની કુટ નીતિ અપનાવવામાં આવે છે.
  • કચરાની નીચે ઈંટ-સિમેન્ટની થેલીઓ ભરવામાં આવે છે
  • રોડ પર પડી રહેતો કચરો ગાડીમાંથી લઇને ડોર ટુ ડોરમાં ઠાલવવામાં આવે છે
  • ઘરે ઘરે ફરવાનું હોવા છતાં સોસાયટીના નાકે જ સિટી વગાડીને જતા રહે છે
  • રોજનો સમય નિયમિત ધોરણે જળવાતો નથી.

ચાર વર્ષમાં ડોર ટુ ડોરનો ખર્ચો છ કરોડ

વર્ષ ખર્ચ (કરોડ રૂા.)
2016-17 39
2017-18 44
2018-19 45
2019-20 45

કયા ઝોન માટે કેટલાં વાહનો ફાળવાયાં

ઝોન વહીવટી વોર્ડ વાહનની સંખ્યા
પશ્ચિમ 6,10 અને 11 90
દક્ષિણ 3,4 અને 12 85
ઉત્તર 5,7 અને 8 51
પૂર્વ 1,2 અને 9 65

જો કોઇ ગેરરીતિ પકડાય તો દંડ લેવાય છે
ડોર ટુ ડોરનાં વાહનોની નિયમિતતા ચકાસવામાં આવે છે અને જો કોઇ અનિયમિતતા પકડાય તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. આ વાહનમાં જીપીએસ સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે અને તેના આધારે તેનું લોકેશન પણ જાણી શકાય છે. – કશ્યપ શાહ,કાર્યપાલક ઇજનેર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ

ડોર ટુ ડોરનાં વાહનો અડધાંથી વધુ ઘરો સુધી પહોંચી રહ્યાં નથી
ડોર ટુ ડોરનાં વાહનો નિયમિત રીતે આવતાં નથી તેવી ફરિયાદો આવતી રહે છે. ડોર ટુ ડોરનાં વાહનો અડધાંથી વધુ ઘરો સુધી પહોંચી રહ્યાં નથી તે હકીકત છે. શહેરને સાફ રાખવા માટે સફાઇ સેવકોની ભરતી કરવી જોઇએ. ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરોને 45 કરોડ રૂપિયા તાસકમાં ભરીને તંત્ર આપી રહ્યું છે પણ ચોખ્ખાઇમાં લોકોને પડી રહેલી હાલાકી ઓછી થઇ રહી નથી. – ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થુ), વિપક્ષી નેતા

જો 280 વાહનો કચરો ઉઘરાવે છે તો એક વાહન સરેરાશ 1600 ઘરે જાય છે ખરું? was originally published on News4gujarati