• અનેક વખત મંગળબજારમાંથી પથારા દૂર કરાયા છતાં પરિસ્થિતિ યથાવત
  • રેલિંગ નાંખીને પાલિકા દ્વારા પથારા દૂર કરવાનો વધુ એક પ્રયાસ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા મંગળબજારમાંથી કાયમી ધોરણે પથારા-લારીઓ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે આજે રોડની આજુ-બાજુમાં રેલિંગ ફીટ કરવામાં આવી છે. આ સાથે પાલિકા દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં ફૂટપાથ અને રોડ ઉપર પથારા-લારીઓ દૂર કરવા માટે કામગીરી હાથ ધરી હતી. પાલિકા ચાર દરવાજા વિસ્તારમાં ત્રાટકતા વેપારીઓએ સામાન જપ્ત થતો બચાવવા દોડધામ કરી મૂકી હતી. મંગળ બજાર અને ચાર દરવાજા વિસ્તારમાં દુકાનોની બહાર સામાનના ખડકલા વચ્ચે પથારાવાળાઓ કબજો જમાવી દે છે. અને પાલિકા દ્વારા દબાણ હટાવ્યા બાદ ફરીથી દબાણો થઇ જાય છે.
મંગળબજારના રોડની આજુ-બાજુમાં રેલિંગ ફીટ કરાઇ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત મંગળવાર અને બુધવારે સતત બે દિવસ મંગળબજારમાંથી પથારા-લારીઓ દૂર કરવાનું અભિયાન હાથ ધર્યું હતું. પાલિકા દ્વારા વેપારીઓનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. અગાઉ મંગળબજારમાંથી રસ્તો શરૂ કરવા માટે ગાંધીનગર ગૃહથી ન્યાય મંદિર તરફ આવતા માર્ગ ઉપર પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે રાતોરાત બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા. જે બેરીકેટ વિરોધ-વંટોળ બાદ ગણતરીના દિવસોમાં દૂર કરી દેવાની પાલિકાને ફરજ પડી હતી. ત્યારબાદ મંગળબજારમાં રસ્તા ઉપરથી પથારા-લારીઓ દૂર કરવા માટે આજે પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મંગળબજારના રોડની આજુ-બાજુમાં રેલિંગ નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાનો આ પ્રયાસ કેટલો સફળ થશે. તે આવનારા દિવસોમાં ખબર પડશે.
પાલિકાએ વેપારીઓનો સામાન જપ્ત કરી લીધો
આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં રોડ અને ફૂટપાથ ઉપર પથારા-લારીઓ દૂર કરવા માટે અભિયાન હાથ ધરાયું હતું. સવારે પાલિકાની દબાણ શાખા પહોંચતા જ વેપારીઓ પોતાનો સામાન જપ્ત થતો બચાવવા દોડધામ કરી મૂકી હતી. આમ છતાં પાલિકા દ્વારા અનેક વેપારીઓનો નાના-મોટો સામાન જપ્ત કરી લીધો હતો. પાલિકાની કામગીરી દરમિયાન વેપારીઓના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. જોકે, પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઇ ઘર્ષણ થયું ન હતું.
હપ્તાના રાજકારણને કારણે પથારા અને લારીઓના દબાણ થાય છે
ઉલ્લેખનિય છે કે, મંગળબજાર અને ચાર દરવાજા વિસ્તારમાં પોલીસ અને પાલિકાના હપ્તાના રાજકારણને કારણે પથારા અને લારીઓના દબાણ થાય છે. પાલિકા દ્વારા અનેક વખત પથારા અને લારીઓ દૂર કરવામાં આવે છે. અને થોડા દિવસોમાં પુનઃ પથારા અને લારીઓવાળા અડિંગો જમાવી દેતા હોય છે. પાલિકાના આજના અભિયાન પછી પથારા-લારીઓવાળા કેટલાં દિવસ સંયમ રાખે છે, તે આવનારા દિવસોમાં ખબર પડશે.

મંગળ બજારમાં લારી અને પથારાવાળાઓનો અડિંગો, કાયમી ધોરણે દબાણો દૂર કરવા પાલિકાએ રેલિંગ ફીટ કરી was originally published on News4gujarati