• તાજેતરમાં જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોવાથી તે ડિપ્રેશનમાં રહેતો હતો
  • રાત્રે અઢી વાગે વિદ્યાર્થીએ ટેરેસ ઉપરથી પડતું મૂકતા સિક્યુરિટી જવાન દોડી ગયો અને પરિવારને જાણ કરી
  • વિદ્યાર્થીની માતા ડોક્ટર છે અને પિતા ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે

વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ ઉપર આવેલા 10 માળના માઇલસ્ટોન નામના ફ્લેટમાં રહેતા સી.એ.ના વિદ્યાર્થીએ ફ્લેટના ટેરેસમાંથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. ઉચ્ચ શિક્ષિત પરિવારના એકના એક પુત્રએ આપઘાત કરી લેતા પરિવામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ડિપ્રેશનમાં આવીને વિદ્યાર્થીએ આપઘાત કર્યો
વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ ઉપર આવેલા દસ મજલી માઇલસ્ટોન નામના ફ્લેટમાં રહેતા પ્રતિક રાજેશભાઇ ગુપ્તાએ (ઉં.21) મોડી રાત્રે 2-30 વાગ્યાના સુમારે ફ્લેટના ટેરેસ ઉપરથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. પ્રતિક CAનો અભ્યાસ કરતો હતો. તાજેતરમાં તેણે પરીક્ષા આપી હતી. જે પરીક્ષામાં નાપાસ થશે, તેવા ડરથી તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. જેના કારણે તેણે આપઘાત કરી લીધો હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
પુત્રની લાશ જોતા જ માતા-પિતા સ્તબ્ધ થઇ ગયા હતા
પ્રતિકના પિતા રાજેશભાઇ ગુપ્તા ગોરવા વિસ્તારમાં આવેલી જી પાવર નામની કંપનીમાં મેનેજર તીરકે ફરજ બજાવે છે. અને માતા દિપ્તીબહેન ઇલોરા પાર્કમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડોક્ટર છે. પ્રતિક મેનેજર અને ડોક્ટરનો એકનો એક પુત્ર હતો. રાત્રે અઢી વાગે પ્રતિકનો પાર્કિંગમાં પડવાનો અવાજ આવતા સિક્યુરીટી જવાન દોડી ગયો હતો. અને તુરંત જ ફ્લેટના લોકોને જાણ કરી હતી. બનાવની જાણ માતા-પિતાને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. પુત્રની લાશ જોતા જ માતા-પિતા સ્તબ્ધ થઇ ગયા હતા.
તાલુકા પોલીસે આપઘાતના કેસમાં વધુ તપાસ હાથ ધરી
દરમિયાન આ બનાવની જાણ તાલુકા પોલીસને થતાં તુરંત જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. તાલુકા પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

CAના વિદ્યાર્થીએ પરીક્ષામાં નાપાસ થવાના ડરથી 10 માળના એપાર્ટમેન્ટના ટેરેસ પરથી કૂદીને આપઘાત કર્યો was originally published on News4gujarati