હવે રીફંડ માટે માથાકુટ થવાની શંકા: પ્રવાસની તારીખો બદલાય તો મોંઘો પડે: વાલીઓમાં પણ દ્વીધા
ગુજરાતનુ નવુ શૈક્ષણિક કેલેન્ડર સેન્ટ્રલ બોર્ડ (સીબીએસઈ)ના ધોરણે કરવાનું જાહેર થતા જ વિદ્યાર્થી-વાલીઓના પ્રવાસ કાર્યક્રમો વેરવિખેર થવાની હાલત સર્જાઈ છે અને પરિણામે અનેક પ્રવાસ બુકીંગ રદ થવા લાગ્યા છે.
રાજયના ટુર ટ્રાવેલ્સ ઓપરેટરોએ એવો નિર્દેશ કર્યો છે કે, ઉનાળાના વેકેશનમાં બાળકો સાથે પ્રવાસ કરવા માટે ભારતમાં તથા વિદેશોમાં ફરવા જવાના સંખ્યાબંધ એડવાન્સ બુકીંગ થયા હતા. હવે નવા શૈક્ષણિક કેલેન્ડરથી વેકેશનનું સમયપત્રક બદલાય તેમ છે. પરિણામે મોટી સંખ્યામાં પ્રવાસ પણ રદ થાય તેમ છે. ઓછામાં ઓછા 15 ટકા પ્રવાસ બુકીંગ રદ થવાની શકયતા છે.
ગુજરાતમાં 32 ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટ એસોસીએશનના મંત્રી અનુજ પાઠકે વાતચીતમાં એમ કહ્યું હતું કે ઉનાળુ વેકેશનના બુકીંગ ડીસેમ્બર-જાન્યુઆરીથી જ શરૂ થઈ જતા હોય છે. ગુજરાત સરકારે શૈક્ષણિક કેલેન્ડર બદલવાની જાહેરાત તાજેતરમાં જ કરી છે એટલે પ્રવાસ બુકીંગ કરાવનારા વાલીઓ દ્વીધામાં મુકાયા છે.
આ લોકોએ બુકીંગ કરાવવા પડેઅથવા તારીખો બદલાવવી પડે તેમ છે. ઓછામાં ઓછા 15 ટકા બુકીંગને અસર થઈ શકે છે.
ઈન્ટરનેશનલ ઉપરાંત ભારતમાંજ ફરવા જવાના બુકીંગને પણ અસર થઈ શકે છે. એપ્રિલ-મેના પ્રવાસ સસ્તા થઈ શકે તે માટે અગાઉથી બુકીંગનો ટ્રેન્ડ છે. પીક સિઝનના બુકીંગ કેન્સલ થવાના સંજોગોમાં રીફંડ માટે માથાકુટ સર્જાશે જયારે તારીખો બદલે તો પ્રવાસ પેકેજ મોંઘા થઈ જાય તેમ છે.
આર્થિક મંદી-સ્લોડાઉનને કારણે ઉનાળુ વેકેશનના બુકીંગ આમેય 20-25 ટકા ઓછા હતા તેવા સમયે આ નવી ઉપાધી સર્જાઈ છે. ટુર ઓપરેટરો એવો સૂર દર્શાવી રહ્યા છે કે સરકારે શૈક્ષણિક કેલેન્ડર વર્ષ બદલવાનો છેલ્લી ઘડીએ નિર્ણય લીધો છે. વાસ્તવમાં પ્રવાસ બુકીંગ સહિતના પાસાઓને ધ્યાને લેવાની જરૂર હતી.
શૈક્ષણિક કેલેન્ડર બદલાતા પ્રવાસ બુકીંગો રદ થવા લાગ્યા was originally published on News4gujarati