• બોડકદેવમાં પેટ્રોલ પંપ પર ઝઘડો થયો હતો
  • લાઈનમાં કાર વચ્ચે ઘૂસાડનારા યુવકને ટોકતાં હુમલો કર્યો

અમદાવાદ: કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલના ડ્રાઈવર ભરત દેસાઈની બોડકદેવમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર ધોલાઇ કરવામાં આવી હતી. ભરત દેસાઇ ફોર્ચ્યુનરમાં ડીઝલ ભરાવીને હવા ભરાવવા લાઈનમાં ઊભા હતા, ત્યારે ત્યાં આવેલી અન્ય એક કારના ચાલકે તેની ગાડી વચ્ચે ઘૂસાડી હતી. જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થતાં કાર ચાલકે ડંડો કાઢીને ભરત દેસાઇની ધોલાઇ કરીને ત્યાંથી ભાગી ગયો હતો. ભરત દેસાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ભરત દેસાઇ 5 વર્ષથી શક્તિસિંહ ગોહિલના ડ્રાઈવર છે. રવિવારે બપોરે 12 વાગ્યે તેઓ ડીઝલ ભરાવીને હવા ભરાવવા લાઈનમાં ઊભા હતા ત્યારે એક કાર બાજુમાં આવીને ઊભી રહી ગઇ હતી. જેથી ભરતભાઇએ તેને કહ્યું કે વડીલ હવા ભરવાનો મારો વારો છે, જેથી તે એકદમ ગુસ્સે થયો હતો અને મને કહેવા વાળો તું કોણ? તેમ કહીને ભરત સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. આટલું નહીં તે ગાડીની ડેકી ખોલીને તેમાંથી ડંડો લઇને આવ્યો હતો અને ત્યાં જ ભરતની ધોલાઇ કરી હતી. જેથી બંને વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. લોકોએ બંનેને છૂટા પાડ્યા હતા.

હુમલો કરી ભાગી છૂટેલો યુવક વડોદરાનો છે
વસ્ત્રાપુર પીઆઈ એમ.એમ. જાડેજાએ જણાવ્યુ હતુ કે, સીસીટીવીમાં કેદ ઘટના તેમજ ભરત દેસાઇની ફરિયાદના આધારે નાસી છૂટેલા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. નાસી છૂટેલો કારચાલક વડોદરાના રહેવાસી હિરેન નટવરલાલ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

કોંગ્રેસના નેતા શક્તિસિંહના ડ્રાઈવરને યુવકે ડંડાથી ફટકાર્યો was originally published on News4gujarati