મ્યુનિ.ને ઘેરી વિશ્વ હિન્દુ પરિષદે રામધૂન બોલાવી
અમદાવાદ: શહેરમાં મંદિરો તોડી પાડવા સહિતના મુદ્દે વિશ્વ હિંદુ પરિષદે સોમવારે મ્યુનિ. કમિશનર કચેરીનો ઘેરાવ કરી અઢી કલાક સુધી રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. ટોળું પ્રવેશે નહીં તે માટે તંત્રે પ્રવેશદ્વાર, મ્યુનિ. કમિશનર અને મેયર ઓફિસને તાળાં મારી દીધાં હતાં.
વિહિપે આપેલા આવેદનપત્રમાં આરોપ લગાવાયો હતો કે, હિંદુ વિસ્તારોમાંથી જ વાહનો ટો કરાય છે અને ટો કોન્ટ્રાક્ટરના માણસો મોટા ભાગે મુસ્લિમ જ હોય છે. વિહિપ કર્ણાવતી મહાનગરના મંત્રી શશિકાંત પટેલ સહિત 50થી વધુ સંખ્યામાં આવેલા વિહિપના કાર્યકરોએ મ્યુનિ. કચેરી બહાર હલ્લાબોલ કર્યો હતો. મ્યુનિ. કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પર જ બેસી જઇને વિહિપના કાર્યકરોએ સતત અઢી કલાક રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને કારણે સામાન્ય નાગરિકોને મ્યુનિ.માં પ્રવેશવામાં મુશ્કેલી થઈ હતી.
આવેદનપત્રમાં વિહિપે આટલા આક્ષેપો કર્યા
- ગણપતિ ઉત્સવમાં મૂર્તિ નદીમાં ન પધરાવાય તો તાજિયા ટાઢા કરનાર સામે શું પગલા લીધાં?
- ત્રણ દરવાજામાં દબાણો કેમ હટાવી શકાતાં નથી ?
- ટ્રાફિક ટોઇંગની ગાડી મુખ્યત્વે હિંદુ વિસ્તારોમાં જ ફરે છે. કોન્ટ્રાક્ટના માણસો મોટા ભાગે મુસ્લિમ કેમ?
- પાલડીના વર્ષા ફ્લેટમાં મુસ્લિમ પરિવારો રહેવા આવી ગયા છે, હાઇકોર્ટના આદેશનું પાલન કેમ થતું નથી?
ટોઇંગવાન હિન્દુ વિસ્તારોમાં જ વાહનચાલકોને દંડે છે: વિહિપ was originally published on News4gujarati