• 00 રૂટ પર ચાલશે 150 પ્રાઈવેટ ટ્રેન, 100 રૂટને 10થી 12 ક્લસ્ટરમાં વહેંચાયા
  • મુંબઈથી દિલ્હી, ચેન્નાઈથી દિલ્હી, દિલ્હીથી પટણા રૂટ સામેલ
  • આ માર્ગો પર ટ્રેન ભાડું નક્કી કરવાનો હક ખાનગી કંપની પાસે રહેશે

દેશના રેલવે પાટા પર ટૂંક સમયમાં જ તાતા, અદાણી અને હ્યુન્ડાઈ સહિત અનેક ખાનગી કંપનીઓની ટ્રેનો દોડશે. નાણામંત્રી નિર્મલા સીતારામને આ વર્ષે રજૂ કરેલા બજેટમાં પ્રવાસ સ્થળોને જોડવા માટે તેજસ એક્સપ્રેસ જેવી અનેક ખાનગી ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી હતી. સરકારે દેશભરમાં જુદા જુદા રૂટ પર 150 ખાનગી ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે.બજેટ પ્રસ્તાવ પ્રમાણે, ખાનગી ટ્રેનો દર 15 મિનિટે દોડશે અને તે દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા 16 કોચ હશે. આ ટ્રેનોની ગતિ પ્રતિ કલાક 160 કિ.મી.ની રહેશે. આ માર્ગો પર ટ્રેન ભાડું નક્કી કરવાનો હક ખાનગી કંપની પાસે રહેશે.
નોંધનીય છે કે, બજેટમાં નવી રેલવે લાઈનો માટે રૂ. 12 હજાર કરોડ અને ગેજ પરિવર્તન માટે રૂ. 2,250 કરોડ ફાળવાયા છે.
આ રૂટ પર ખાનગી કંપનીઓની ટ્રેનો દોડશે
રેલવેએ દેશભરમાં 150 ખાનગી ટ્રેનો દોડાવવા 100 રૂટની યાદી તૈયાર કરી છે, જેને 10-12 ક્લસ્ટરમાં વહેંચવામાં આવી છે. તેમાં મુંબઈથી નવી દિલ્હી, ચેન્નાઈથી નવી દિલ્હી, નવી દિલ્હીથી હાવડા, શાલીમારથી પૂણે, નવી દિલ્હીથી પટણા સહિત કેટલાક એવા માર્ગ છે, જ્યાં ખાનગી ટ્રેનો દોડશે.
આ કંપનીઓએ રસ દાખવ્યો
ખાનગી ટ્રેનો માટે બે ડઝન જેટલી કંપનીઓએ રસ દાખ્યો છે, જેમાં તાતા રિયલ્ટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એસઈઝેડ, અદાણી પોર્ટ્સ, હ્યુન્ડાઈ રોટેમ કંપની, એલસ્ટોમ ટ્રાન્સપોર્ટ, બોમ્બાર્ડિયર, સિમેન્સ એજી, મેક્વેરી, હિટાચી ઈન્ડિયા અને એસ્સેલ ગ્રૂપ જેવી બે ડઝન કંપનીઓ સામેલ છે. રેલવેએ હાલમાં જ દેશભરના 100 રૂટ પર ટ્રેન ચલાવવા ખાનગી કંપનીઓને સામેલ કરવાની એક મોટી યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સ્પર્ધામાં રેલવેના સહાયક એકમ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન પણ સામેલ છે.

તાતા અને અદાણી ચલાવશે ટ્રેન, દેશ-દુનિયાની 12 કંપનીઓએ રસ દાખવ્યો was originally published on News4gujarati