અમદાવાદ: અયોધ્યાનો ચુકાદો આપનાર રંજન ગોગોઈએ કહ્યું- દેશમાં નીડર, સ્વતંત્ર અને કામ કરતો ન્યાય જોઈએ, સીએએ મુદ્દે બંધારણ મુજબ નિર્ણય લેવાશે. ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રીબિલ્ટ જ્યુડિશિયરી વિશે સંબોધતા પૂર્વ CJI ગોગોઈએ કહ્યું… હેલ્લો ડિયર સ્ટુડન્ટ્સ, રીબિલ્ટ ધી જ્યુડિશિયરી વિષય માટે તમે પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને લેક્ચર માટે કેમ આમંત્રણ આપ્યું તે સમજાતું નથી. તે તમને કેવી રીતે મદદ કરી શકે? પરંતુ જ્યારે તમે મને લાયક માન્યો છે તો તમને કેટલાક મૂળભૂત વિચારો વિશે અવગત કરું છું. ન્યાયતંત્રને નવેસરથી ઘડવાની તાતી જરૂરિયાત છે. દેશને નિર્ભય, તટસ્થ, પૂર્વગ્રહ મુક્ત અને સ્વતંત્ર ન્યાયતંત્રની જરૂર છે. જ્યાં સુધી ન્યાયતંત્રને નવેસરથી બનાવવામાં નહિ આવે ત્યાં સુધી આ દેશ સમૃદ્ધ નહિ થઈ શકે. જે દિવસે આપણી પાસે નીડર, સ્વતંત્ર અને કાર્યકારી ન્યાયતંત્ર હશે ત્યારે જ રાષ્ટ્ર આગળ વધશે, માત્ર નવી કોર્ટ વધારવા કે જજીસની સંખ્યા વધારવાથી રાષ્ટ્ર આગળ નહિ વધે. આપણા કમનસીબે સરદાર પટેલ વહેલા જતા રહ્યા, નહિ તો આજે ભારત સાવ અલગ રાજ્ય હોત.

તમે વિદ્યાર્થીઓ જ આ દેશના ન્યાયતંત્રને નવેસરથી ઘડી શકશો-રંજન ગોગોઈ
રંજન ગોગોઈએ કહ્યું- આપણે તુલનાત્મક આંકડા પર નજર કરીએ તો ભારત બીજા દેશ કરતાં સારો દેખાવ કરી રહ્યું નથી. આપણા દેશમાં દરેક માણસને તેનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે, દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, પરંતુ CAAનો આપણા દેશમાં જે વિવાદ ચાલી રહ્યો છે, તેમાં અનેક મતમતાંતરો છે, પરંતુ આવા ઠરાવો બંધારણીય માધ્યમો દ્વારા થવા જોઈએ. તમારા ન્યાયાધીશો પર વિશ્વાસ કરો, તે ભારતના બંધારણ મુજબ નિર્ણય લેશે. તમારો મત આ મુદ્દે અલગ હોઈ શકે છે, તમે દેખાવો કર્યા તે પૂરતું છે, પરતું તમારી પાસે સુપ્રીમ કોર્ટને સમાંતર બીજી ફોરમ નથી. CAAનો વિરોધ મારા વતન રાજ્ય (આસામ)માં પણ હતો, કારણ કે અમારા રાજ્યની સમસ્યા દેશના અન્ય રાજ્યો કરતાં અલગ છે. અમારા રાજ્યમાં સમસ્યાનો વિરોધ થયો તેનો ઉકેલ પણ વિદ્યાર્થીઓ જ લાવ્યા અને તે પણ કોઈ હિંસા વગર તેનો ઉકેલ લાવવામાં આવ્યો છે. તમે વિદ્યાર્થીઓ જ આ દેશના ન્યાયતંત્રને નવેસરથી ઘડી શકશો. તમારામાંથી કોઈ જજ બનશે ત્યારે તમને સમજાશે કે ચુકાદા સમયે જજ પર કેવું અને કેટલું દબાણ હોય છે?

વિદેશી વેપાર માટેના કેસમાં અપીલ કરવાના અધિકારો રદ કરીને પ્રોફેશનલને તેની જવાબદારી સોંપવી જોઈએ
દેશનું અર્થતંત્ર સારું બનાવવા સારી વિવાદ નિવારણ પદ્ધતિ પણ આપણી પાસે હોવી જોઈએ, તો જ બહારના દેશોને આપણા દેશમાં મૂડીરોકાણ કરવા માટે વિશ્વાસ વધશે. વેપારી વિવાદોના ઉકેલ માટે 90 ટકા ન્યાયાધીશ પાસે પૂરતી મિકેનિઝમ નથી. વેપારી વિવાદોના ઉકેલ માટે જવાબદારી પ્રોફેશનલને સોંપવી જોઈએ. અપીલ કરવાના અધિકારો પણ રદ કરી દેવા જોઈએ.

પૂર્વ CJI રંજન ગોગોઈએ કહ્યું- જજ બનશો ત્યારે સમજશો કે જજ પર કેટલું દબાણ હોય છે! was originally published on News4gujarati