મલેકપુરમાં મોડી રાતનો બનાવ, જવાન મિત્રો પર અંગત અદાવતમાં હુમલા બાદ ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકાયો

ભિલોડા: અરવલ્લીના ભિલોડા તાલુકાના મલેકપુર ગામમાં અંગત અદાવતમાં 9 શખ્શોએ ગામના અને બાઈક પર પસાર થતાં BSF જવાન અને તેના બે મિત્રો પર જીવલેણ હુમલો કર્યો હતો. જવાન અને તેના મિત્રોને અટકાવી કુહાડી, લોખંડની પાઇપ અને લાકડીઓથી તૂટી પડી ઘાતકી હુમલો કરી નવે નવ શખ્સ નાસી છૂટ્યા હતા. BSF જવાનના માથાના ભાગે જીવલેણ ઘા વાગતા તે કોમામાં સરી પડ્યો હતો. તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. હાલ BSF જવાનની સ્થિતિ સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો
BSF જવાન અને તેના મિત્રો પર થયેલા હુમલા બાદ ભિલોડા પોલીસને ઘટનાની જાણ થતા પી.આઈ મનીષ વસાવા અને તેમની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હુમલાના પગલે સ્થિતિ વણશે તે પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીએસએફ જવાન રજા પર વતન આવ્યો છે
ભિલોડાના મલેકપુર ગામના અને BSFમાં ફરજ બજાવતા તથા રજા પર વતનમાં આવેલા રવિન્દ્ર પ્રફુલભાઇ ગામેતી તેના મિત્રો રોશન પ્રવીણભાઈ ખરાડી અને રણજિત અમૃતભાઈ નિનામા સાથે ભિલોડા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવીને પરત ફરતા હતા. ત્યારે અગાઉની અંગત અદાવતમાં મલેકપુર બસ સ્ટેન્ડથી થોડે દૂર અજયભાઇ સુરમાભાઇ નિનામા, કિર્તીભાઇ દિલીપભાઇ સડાત, અજયભાઇ દિલીપભાઇ સડાત, યશપાલભાઇ નિનામા, મહેશભાઇ હીરાભાઇ ખરાડી, વિશાલભાઇ કાવજીભાઇ ખરાડી, વિજયભાઇ રતુભાઇ ખરાડી, પ્રદિપભાઇ કાન્તીભાઇ નિનામા અને નટુભાઈ વાલજીભાઇ નિનામા નામના શખ્શોએ રસ્તો રોકી BSF જવાન રવિન્દ્ર ગામેતી અને તેના બે મિત્રો પર હુમલો કર્યો હતો.

લોકો દોડી જતા હુમલખોરો નાસી છૂટ્યા
9 શખ્સો કુહાડી, લોખંડની પાઇપ, લાકડીઓ સાથે તૂટી પડતા રવિન્દ્ર નિનામા અને રણજિત નિનામાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને રસ્તા પર જ ફસડાઈ પડ્યા હતા. રોશન ખરાડીના શરીરે ઈજાઓ પહોંચી હતી. 9 શખ્શોના ઘાતકી હુમલાના પગલે લોકો દોડી આવતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા. હુમલાના પગલે મલેકપુર ગામમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. હુમલાનો ભોગ બનેલા ત્રણે યુવકોને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.

9 સામે ફરિયાદ નોંધાઈ
ભિલોડા પોલીસે મલેકપુર ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ભિલોડા પોલીસે રોશન કુમાર પ્રવીણભાઈ ખરાડીની ફરિયાદના આધારે વેજપુર તથા મલેકપુરના 9 શખ્સો વિરુદ્ધ ઇપીકો કલમ-147,148,149,43 1, 3 23, 307, 324, 504, તથા જી . પી . એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ભિલોડાના મલેકપુરમાં બાઈક પર જતા BSF જવાન અને તેના મિત્રો પર 9 શખ્સોનો જીવલેણ હુમલો, જવાન કોમામાં was originally published on News4gujarati