- એક જ ઇમારતમાં આવેલી ત્રણ દુકાનો વારાફરતી આગની લપેટમાં
- ફાયરબ્રિગેડના લાશ્કરોએ શટર તોડીને પાણીનો મારો ચલાવ્યો
- કલાક બાદ આગ કાબૂમાં આવી, ટોળાં ઉમટ્યાં
વડોદરાઃ મંગળબજારમાં સોમવારે સાંજે પ્રતાપ મડઘાની પોળ નજીક આવેલી ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ લાગતાં દોડધામ મચી હતી.ત્રણ માળના બિલ્ડિંગમા આવેલી ત્રણ દુકાનો આગની ઝપટમાં આવી હતી. જોકે સોમવાર હોવાથી બજાર બંધ હોવાને પગલે મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઇ હતી. આગને પગલે લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. મંગળબજારમાં ભારે ભીડથી ભરેલી સાંકડી ગલી વચ્ચે આવેલી ઇલેક્ટ્રિકની દુકાનમાં સમી સાંજે 5:30 વાગે અચાનક ધુમાડાના ગોટા નીકળતાં સ્થાનિક રહીશો અને દુકાનદારોમાં ગભરાટ ફેલાયો હતો. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર ઓફિસર એમ.એન.મોઢ સહિત સ્ટાફ દોડી આવ્યો હતો.
દુકાનનું શટર તોડવાની ફરજ પડી
સોમવારે મંગળબજારમાં રજા હોવાથી ઓછા ટ્રાફિકને પગલે ફાયર ફાઇટરને અંદર આવવામાં સરળતા રહી હતી.ગીચ વસ્તી અને સામસામે દુકાનને પગલે પાંચ ફાયર ફાઇટર સ્ટેન્ડ બાય રખાયાં હતાં. ત્રણ મજલી આરવી હાઉસમાં લાગેલી આગ જોતજોતામાં આ જ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કવરની દુકાન જય જગદંબા કવર હાઉસને ઝપટમાં લીધી હતી. ઇલેક્ટ્રિક શટરવાળી આ દુકાનનું શટર તોડીને અંદર જવામાં ફાયર બ્રિગેડને ભારે મથામણ કરવી પડી હતી. એક કલાકની જહેમત બાદ ત્રણે માળની આગ કાબૂમાં આવી હતી. બનાવને પગલે પોલીસ કુમક ઘટના સ્થળે દોડી આવી હતી.
હળવો લાઠીચાર્જ કરવો પડ્યો
એક બાજુ સાંકડી ગલીમાં આગને પગલે ઇલેક્ટ્રિક ઓવર હેડ લાઇન અને બિલ્ડિંગના ઉપરના મજલે આવેલું કાચનું એલિવેશન ચિંતાનું કારણ હતું. ત્યારે બીજી બાજુ મંગળબજારમા ખરીદી કરવા આવેલા લોકો આગને જોવા માટે ઉભા રહેતાં ટોળાં જામ્યાં હતાં. એક તબક્કે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરીને લોકોને દૂર ખસેડવા પડ્યા હતા.
સામાન બચાવવા દોડધામ
મંગળબજારમાં તમામ સમાજના લોકોની દુકાન આવેલી છે. આજે લાગેલી આગમાં રાકેશ શાહની દુકાનમાં આગ લાગી હતી. લાખો રૂપિયાનો સામાન સળગી ગયો હતો. ત્યારે બાજુની જય જગદંબા દુકાનમાં આગમાંથી બચે તેટલો સામાન બચાવી લેવા આ વિસ્તારના તમામ વેપારીઓ આગ વચ્ચે કામે લાગ્યા હતા.
બે ટ્રક ભરીને સામાન જપ્ત
મંગળબજારમાં સોમવારે સવારે પણ પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી.બે ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પાલિકાની ટીમની એન્ટ્રી પડતાં પથારાવાળાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. બીજી તરફ ફૂટપાથને અડીને એન્ગલો નાખવામાં આવતાં સ્થાનિક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે પથારાવાળાઓના લીધે અમારો ધંધો બગડી રહ્યો છે.
વડોદરાના મંગળબજારમાં આગ, સોમવારે દુકાનો બંધ હોવાથી અમંગળ થતાં રહી ગયું was originally published on News4gujarati