• 48 લાખ રીકવરી : 28 મિલકતધારકો દ્વારા સીલ લાગતું અટકાવવા ફટાફટ રૂ. 41.09 લાખના ચેક લખી આપ્યા
  • કેટલાકે અડધી રકમના ચેક  અને અડધી રકમ રોકડમાં ચૂકવી
  • શહેરમાં ચાર ટીમો બનાવી ટોપ 100 વેરા બાકી મિલ્કતધારકોની યાદી લઇ ઉઘરાણી શરૂ કરાઇ
  • પ્રથમ દિવસે વેરા ન ભરનારની મિલ્કતો સીલ કરતા વેપારીઓ અડધા રોકડા તેમજ એક સપ્તાહ સુધીના ચેકો આપવા લાગ્યા

પાટણ નગરપાલિકા દ્વારા વર્ષોથી બાકી વેરાની કડક વસુલાત કામગીરી સોમવારથી શરૂ કરાઇ હતી જેમાં પ્રથમ દિવસે અલગ અલગ સ્થળે 6 મિલકતો સીલ કરાઇ હતી. મોટી રકમના વેરા બાકી વાળા 100 મિલ્કતોના માલિકોની યાદી બનાવી ચાર ટીમો બનાવી શહેરમાં વસુલાત કરાઇ હતી જેમાં પ્રથમ દિવસે 28 મિલ્કતધારકોએ રૂ. 41 લાખના ચેક ,રૂ. 7 લાખ રોકડનો વેરો ભર્યો હતો.
પાટણ પાલિકા દેવાદાર હોઈ સામે શહેરમાં અંદાજે 24 હજાર મિલકતદારો પાસેથી રૂ. 26 કરોડ જેટલી માતબર રકમના વેરાની વસુલાત બાકી હોઈ પાલિકાના આવકમાં વધારો થાય તેવા હેતુથી ચીફ ઓફિસર પાંચાભાઇ માળી અને પાલિકાના સત્તાધીશો દ્વારા શહેરમાં બાકી વેરાની વસુલાત કરવા નોટિસો નહીં પરંતુ કાર્યવાહી કરવાનો નિર્ણય લઇ સોમવારથી ચાર અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરાઈ હતી જેમાં યાદી પ્રમાણે મિલ્કતોના સ્થળો પર જઈ વેરો ભરવા સૂચના આપ્યા બાદ જે વેરાની રકમ ભરે અથવા એક સપ્તાહમાં ભરી દેશે તે માટે એડવાન્સ ચેક આપે તેમને માન્ય રાખી જે વેરા ન ભરે અથવા હાજર ન હોય તે મિલ્કતો સીલ કરવામાં આવી હતી. મોટાભાગે વેપારીઓએ મોટી રકમ હોઈ એડવાન્સ ચેક આપી અથવા અડધી રકમના ચેક આપતા બાકીની રકમ ભરવા પાલિકાએ સપ્તાહ સુધીની મુદત આપી હતી.
આ 6 મિલ્કતોને સીલ મારવામાં આવ્યા
1.ભોગીલાલ સંગીતશાળા – વેરાઈ ચકલા
2.પંકજ ટોબેકો ગોડાઉન – હાંસાપુર
3.વનરાજ પાઇપ – જીઆઇડીસી
4.રેડક્રોસની બાજુમાં ખુલ્લો વાડો
5.સોનીવાડામાં બંધ પડેલ રહેણાંક મકાન
6.સોનીવાડામાં વાડીલાલ ગલીમાં બંધ પડેલ દુકાન
વ્યાજબી વેરો ભરવા તૈયાર છીએ : સંગીતશાળા ટ્રસ્ટી
સંગીતશાળાના ટ્રસ્ટી યતીનભાઇ ગાંધીએ જણાવ્યું કે માપ કરતાં વધારે આકારણી ભૂતકાળમાં થયેલી છે અને તેના માટે અગાઉ રજુઆત કરાયેલી છે.વ્યાજબી કરી આપવામાં આવે તો પૈસા દાન લાવીને પણ ભરી દેવા તેયાર છીએ.
પાલિકા ટીમ સીલ મારવા જતાંજ વેપારીઓએ ચેક આપ્યા
શહેરમાં ટીમો જતાં વેપારીઓ હાજર નથી તેમજ વેરો ભરી દઈશું, સાંજે ભરવા આવીએ છીએ , આટલી મોટી રકમ પાસે ન હોય જેવા જવાબ વેપારીઓએ આપ્યા હતા ત્યારે સીલ મારવાનું કહેતાંજ વેપારીઓએ સીલ ન લાગે તે માટે તાત્કાલિક એક સપ્તાહ સુધીના રકમના ચેક બનાવી આપ્યા હતા.
એક દુકાનમાં બેંકનો સીલ હોઇ સીલ ન મારી શકાયો
નગરપાલિકા ટીમના સભ્યોએ જણાવ્યા મુજબ એક ફુટવેરની દુકાનમાં બેંકનો સીલ લાગેલો હોવાથી ટીમ મુંઝાઇ હતી જેમાં જોગવાઇ મુજબ કાર્યવાહી કરાશે. રસાણીયાવાડામાં એક મકાનમાં માલિક પુરૂષ હાજર નથી અને ભાગી ગયેલો છે તેની પત્ની અને બાળકોએ રોકકળ કરી મૂકી હતી. મહિલાએ બે દિવસ મહેતલ આપવા વિનંતી કરતાં ટીમ પાછી ફરી હતી.
બળીયા હનુમાનની જગ્યા એનએ હોવાની રજૂઆત
ચીફ ઓફીસર પાંચાભાઇ માળીના જણાવ્યા મુજબ તેઓ જે મકાનમાં ભાડેથી રહે છે તેનો રૂ. 5000 નો વેરો બાકી હતો જે ભરાવીને શરુઆત કરાવી છે. પહેલા દિવસે ચારેય ટીમોને કોઇ તકલીફ પડી નથી.શાંતીપૂર્ણ રીતે કાર્યવાહી કરાઇ છે.આવી રીતે રોજ કામગીરી ચાલુ રહેશે.સાૈથી વધુ બાકી બળીયા હનુમાનની જગ્યાની છે. જે ખુલ્લી હોઇ સીલ મારી શકાય નહી પણ આ સંસ્થાએ એનએ કરેલ છે તેવી રજુઆત પાલીકામાં કરેલ છે તેવું પાલિકાનાં સૂત્રોએ જણાવ્યું હતું.

શહેરમાં સંગીતશાળા, 2 કોમર્શિયલ ફર્મ સહિત 6 મિલકતો સીલ was originally published on News4gujarati