ઝેરી દવા પી આપઘાત કરવાની અને પાલિકાના સ્ટાફને રૂમમાં ગોંધી માર મારવાની ધમકી આપી હતી

વરાછા એ.કે. રોડ સ્થિત શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમા ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કરવા જનાર મનપાના વરાછા ઝોનના સ્ટાફ સાથે ઝપાઝપી કરી ફરજમા રૂકાવટ કરી હતી. જેને લઈને પંદરથી વીસ જણાના ટોળા વિરૂધ્ધ વરાછા પોલીસ મથકમા ફરિયાદ નોંધવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ઝેરી દવા પી આપઘાત કરવાની અને સ્ટાફને રૂમમાં ગોંધી માર મારવાની ધમકી ઉચ્ચાર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ડિમોલેશન અટકાવી ધમકી આપી

સુરત મનપાના વરાછા ઝોનના આસીસટન્ટ ઇજનેર ધર્મેશ જીવરાજ પ્રજાપતિ ગત રોજ ડેપ્યુટી ઇજનેર જે.ડી. ટોપીવાલ, આસીસટન્ટ ટાઉન પ્લાનર હાર્દિક ચાંચડ ઉપરાંત મનપાના માર્શલની ટીમ સહિતનો સ્ટાફ વરાછા એ.કે. રોડ સ્થિત આવેલા શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમા તાણી દેવામાં આવેલા ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કરવા માટે ગયા હતા. દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ ધારકો અને સ્થાનિક રહેવાસીઓ એકઠાં થઇ ગયા હતા. એકત્ર થયેલા ટોળાએ પાલિકાના સ્ટાફને ગેરકાયદે બાંધકામ દુર કરવાની કામગીરીમા રૂકાવટ ઉભી કરી હતી અને ઝપાઝપી કરી હતી. ઉપરાંત ધક્કા મારી એસ્ટેટમાંથી બહાર કાઢી મૂક્યા હતા. ઉપરાંત એકત્ર થયેલા ટોળા પૈકીના કોઇકે જો તમે બાંધકામ તોડશો તો ઝેરી દવા પી આપઘાત કરી લેવાની અને પાલિકાના સ્ટાફને રૂમમા ગોંધી માર મારવાની ધમકી ઉચ્ચારી હતી.

15થી 20ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ

વરાછા ઝોનના સ્ટાફે ઉચ્ચ અધિકારીઓને કરવાની સાથે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ દોડી આવી હતી. પાલિકાના સ્ટાફની સરકારી ફરજમાં અડચણ ઉભી કરી માર મારવાની ધમકી આપનાર ટોળા પૈકીના પ્લોટ ધારક પ્રફુલ મોહન પટેલ, મહેન્દ્ર લાલજી ભવાણી, મનહર વોરા સહિત પંદરથી વીસ જણાના ટોળા વિરૂધ્ધ વરાછા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવામાં આવી હતી.

ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કરવા જનાર પાલિકાના સ્ટાફ પર હુમલો થતા 20ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ was originally published on News4gujarati