- ઇનોવા કાર સાથે અથડાતા જ ઝેન કાર પકીડુ વળી ગઇ હતી
- વીરપુર પગપાળા યાત્રામાં આવેલી રાજકોટની મહિલાઓને ઝેન ચાલકે લિફ્ટ આપી હતી
રાજકોટથી 25 કિલોમીટર દૂર નેશનલ હાઇવે પર વાંધેશ્વર મહાદેવ મંદિર પાસે સાઈડમાં ઉભેલી GJ03LG 8218 ઈનોવા કાર પાછળ GJ03AB 7224 નંબરની ઝેન કાર ધડાકાભેર અથડાઇ હતી. આથી તેમાં મુસાફરી કરી રહેલી નિકિતા રાજેશભાઈ ગોસ્વામી (ઉં. વ. 11, રહે ચારણ સમઢીયાળા, તાલુકો-જેતપુર) અને મીનાબેન મનીષભાઈ જસાણી (ઉં. વ. 51 રહે, કાલાવડ રોડ રાજકોટ) વાળાઓને ગંભીર ઈજા થતા મોત નીપજ્યા હતા. જ્યારે કાર ચલાવી રહેલા રાજેશભાઈ રઘુભાઈ ગોસ્વામી, અસ્મિતાબેન પંકજભાઈ જસાણી તેમજ હીનાબેન નરેન્દ્રભાઈ મીઠીયાને ગંભીર ઈજા થતાં પ્રાથમિક સારવાર ગોંડલ આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.
મૃતક મીનાબેન જસાણી પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષિકા હતા
ગતરાત્રીના રાજકોટ ગોંડલ સહિત બહોળી સંખ્યામાં પદયાત્રીઓ વીરપુર જલારામ બાપાના દર્શને પહોંચ્યા હતા. જેમાં મીનાબેન, અસ્મિતાબેન અને હીનાબેન પણ જોડાયા હતા. બાદમાં સવારે હાઈવે પર રાજેશભાઈ ગોસ્વામીની ઝેનમાં લિફ્ટ લઈ રાજકોટ ઘરે પરત જઈ રહ્યા હતા દરમિયાન અકસ્માત નડ્યો હતો.
મૃતક મીનાબેન મનીષભાઈ જસાણી પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષિકા હતા તેમને સંતાનમાં એક દીકરો છે તેમજ તેના પતિ મનીષભાઈ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનમાં સેવા બજાવી રહ્યાનું તેમના ભત્રીજા ચિરાગભાઈએ જણાવ્યું હતું. જ્યારે નિકિતા બે બહેનોના પરિવારમાં મોટી બહેન હતી તેના પિતા રાજેશભાઈ ચારણ સમઢીયાળા ગામે કરિયાણાની દુકાન ધરાવે છે. જેઓને પણ આ અકસ્માતમાં ગંભીર ઈજા થતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
ભરૂડી પાસે બંધ ઇનોવા પાછળ ઝેન કાર ઘૂસી જતા બાળકી અને શિક્ષિકાનું મોત, ત્રણને ઇજા was originally published on News4gujarati