- મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય ઘટના સ્થળે પહોંચ્યા
- ધુમાડાના ગોટેગોટા નીકળતા રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા
- ન્યૂમરેટર કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ
કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક સોફ્ટવેર બનાવતી કંપની ન્યૂમરેટરમાં ત્રીજા માળે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે, ભીષણ આગના પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ધુમાડા અને કાચની બારીના કારણે ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કારેલીબાગ વિસ્તારમાં ન્યૂમરેટર નામની સોફ્ટવેર બનાવતી કંપનીમાં આજે મળસ્કે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટાથી આસપાસના વિસ્તારના લોકો બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો 10 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતો. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. 10થી વધુ ફાયરની ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
મ્યુનિસિપલ કમિશનર દોડી આવ્યા
ન્યૂમરેટર નામની સોફ્ટવેર બનાવતી કંપનીમાં ભીષણ આગની ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ લાગવા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરીનો તાગ મેળવ્યો હતો. જ્યારે ફાયર વિભાગના ઇન્ચાર્જ ધવલ પંડ્યા, ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ફાયર અને સેફ્ટીના સાધનો કાર્યરત હતા કે નહીં તેની તપાસ કરાશે.
કાચ તોડી પાણીનો મારો ચલાવ્યો
સોફ્ટવેર બનાવતી કંપનીમાં બારીઓ કાચની હોવાથી ધુમાડો આખા ત્રીજા માળમાં ભરાઈ ગયો હતો. જ્યારે ફાયર વિભાગને પણ આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. જેથી ફાયર વિભાગ દ્વારા બારીઓના કાચ તોડી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને ધુમાડો બહાર કાઢવામાં આવ્યો હતો.
જીવના જોખમે ફાયરની કામગીરી
ન્યૂમરેટર કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા. જેના પગલે રાહદારી અને ફાયરના જવાનો મુશ્કેલમાં મૂકાયા હતા. દરમિયાન સનોર સ્કેલ બગાડી જતાં ફાયર બ્રિગેડના જવાનો જીવના જોખમે કામગીરી કરવી પડી હતો.
સોફ્ટવેર બનાવતી કંપનીમાં ત્રીજા માળે ભીષણ આગ લાગી, બ્રિગેડ કોલ જાહેર કર્યો,આગ પર કાબૂ was originally published on News4gujarati