- ઓલ ટેરેન વ્હીકલ ચેમ્પિયનશિપમાં હૈદરાબાદની મહિલા ટીમ આકર્ષણનું કેન્દ્ર બની
- અભિનવીકરણ અને ટેક્નોલોજીમાં મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ પુરું પાડ્યું
વડોદરા શહેરમાં આજથી શરૂ થયેલી ઓલ ટેરેન વ્હીકલ ચેમ્પિયનશિપમાં હૈદરાબાદની બી. વી. રાજુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કોલેજની મેકેનિકલ અને ઇલેક્ટ્રિકલનો અભ્યાસ કરતી તમામ ઇજનેરી વિદ્યાર્થીનીઓની એક માત્ર ટીમ ભાગ લઈ રહી છે. આ ટીમમાં કેપ્ટન અપૂર્વા ગટ્ટુના નેતૃત્વ હેઠળ રાઇડર સાથવિકા સહિત 19 વિદ્યાર્થિનીઓ છે. અભિનવીકરણ અને ટેક્નોલોજીમાં હૈદરાબાદની મહિલા ટીમે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ સ્પર્ધામાં પૂરું પડ્યું છે. આ સ્પર્ધાના આયોજનમાં મુખ્ય ભૂમિકા પણ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની છે અને આજે એનો પ્રારંભ મહિલા સાંસદ રંજનબહેન ભટ્ટે, મહિલા ધારાસભ્ય સીમાબેન મોહિલે અને મનીષાબેન વકીલની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
યુવતીઓએ ડિઝાઇન, પ્રોડક્શન, સ્પોન્સરશિપ, મેન્જમેન્ટની કામગીરીની વહેંચણી કરી
ટીમના કેપ્ટ્ન અપૂર્વા ગટ્ટુએ જણાવ્યું હતું કે, થિયરિકલ અભ્યાસ કર્યાં બાદ 5થી 6 મહિનાના સમયગાળામાં આ ઓલ ટેરેન વ્હીકલનું અમે તમામ વિદ્યાર્થિનીઓએ સાથે મળી તૈયાર કર્યું છે. જેમાં તમામ વિદ્યાર્થિનીને 5-5ની ટુકડીમાં ડિઝાઇન, પ્રોડક્શન, સ્પોન્સરશિપ અને મેન્જમેન્ટની કામગીરીની વહેંચણી કરી ઓલ ટેરેન વ્હીકલ તૈયાર કર્યું છે. જ્યારે અમે આ ઓલ ટેરેન વ્હીકલ બનાવી રહ્યા હતા, ત્યારે ઘણા લોકો પાસેથી આ કાર્ય પુરુષ જ કરી શકે અને તેમને જ સફળતા મળે તેવું સાંભળવા મળ્યું હતું. પરંતુ અમે તે વાતને એક પડકાર તરીકે ઉપાડી લઇ મહિલાઓ પણ આ કાર્ય કરી શકે અને તેમાં સફળ પણ થઇ શકે તે પુરવાર કરી બતાવ્યું છે.
કલેક્ટરે અમારું અભિવાદન કરીને પ્રોત્સાહિત કર્યાં
અપૂર્વા ગટ્ટુએ વધુઅ જણાવ્યું હતું કે, 5થી 6 મહિનાની જહેમત બાદ અમે આ પ્રથમ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યા છે. વડોદરા પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે, તમામ ટીમમાં અમારી ટીમ એકમાત્ર મહિલા ટીમ છે, જે જાણી ખુબ જ ગર્વની અનુભૂતિ થઇ છે. તેમજ કલેક્ટરે અમારું અભિવાદન કરી 21મી સદીમાં આધુનિક યુગમાં મહિલાઓમાં પણ અનોખું કૌશલ્ય અને કલા છે. તેવા શબ્દોથી અમોને પ્રોત્સાહિત કર્યાં છે. આ પ્રોત્સાહનની સાથે અમે આ ચેમ્પિયન્શિપમાં તો ભાગ લેશું જ અને ભારતમાં યોજાનારી તમામ સ્પર્ધાઓમાં ભાગ લેશું.
એકમાત્ર મહિલા ટીમ સૌના આકર્ષણનું કેન્દ્ર બની
ઉલ્લેખનીય છે કે, આ 5 દિવસની સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી 100 જેટલી ટીમો અને 2500 વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. તેમાં આ એકમાત્ર મહિલા ટીમ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે.
હૈદરાબાદની મહિલા ટીમે 5થી 6 મહિનાના સમયગાળામાં ઓલ ટેરેન વ્હીકલનું નિર્માણ કર્યું was originally published on News4gujarati