• બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ વડાપ્રધાન મોદીને ઇ-મેલ કર્યા
  • એલઆરડી મુદ્દે રોજ નવી રણનીતિ ઘડાય છે તેમ છતાં સરકાર હજુ અનિર્ણાયક સ્થિતિમાં, આંદોનલ ઉગ્ર બન્યું

ગાંધીનગરઃ એલઆરડીની ભરતીમાં જીએડીના 1 ઓગસ્ટ, 2018ના ઠરાવ મામલે અનામત અને બિન અનામત વર્ગ દ્વારા સામસામા આંદોલનને કારણે સરકારની સ્થિતિ કફોડી થઇ ગઇ છે. અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોએ શુક્રવારે ઠરાવ રદ કરવાની માંગણી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિવાસસ્થાન તરફ કૂચ કરી હતી પરંતુ પોલીસે તેમને અટકાવી દીધી હતી. જ્યારે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ ડો. આંબેડકરની પ્રતિમા સુધી રેલી કાઢીને પુષ્પાંજલિ કરી હતી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇ-મેલ કરીને રજૂઆત કરી હતી. સીએમ નિવાસસ્થાને શનિવારે પણ બેઠકોનો ધમધમાટ ચાલુ રહ્યો હતો જ્યારે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથને ભરતી સમિતિ તેમજ ગૃહ વિભાગના અધિકારીઓ સાથે સચિવાલયમાં બેઠક બોલાવી હતી. આ આંદોલનમાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજેશ ગોહિલ પણ જોડાયા છે. આ ઉપરાંત ઋત્વિજ મકવાણાએ પણ પોતાના ઉપવાસ ચાલુ રાખ્યા છે. બીજી તરફ બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારોને પાટીદાર સંસ્થા ખોડલ ધામ તરફથી પણ સમર્થન મળ્યું છે. નરેશ પટેલનો સંદેશો લઇને દિનેશ કુંભાણી પણ પહોંચ્યો હતો.

LRD બિનઅનામત વિવાદ / અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો મોદીનાં માતાનાં ઘર તરફ ધસી ગઈ, પોલીસે અટકાવી was originally published on News4gujarati