હાલ આ 4 બેઠકમાંથી ભાજપ પાસે 3 અને કોગ્રેસની એક બેઠક છે

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ખાલી પડનારી રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી 26 માર્ચે યોજાશે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યનું સંખ્યાબળ જોતા ભાજપને એક બેઠક વધારાની ગુમાવવી પડે તેમ છે. હાલ આ 4 બેઠકમાંથી ભાજપ પાસે 3 અને કોગ્રેસની એક બેઠક છે.
એક સાથે આ 4 બેઠકોની ચૂંટણી થાય તો ભાજપ એક બેઠક ગુમાવી શકે છે

આગામી એપ્રિલમાં ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ચાર સાંસદો ચુની ગોહેલ(ભાજપ), મધુસુદન મિસ્ત્રી(કોંગ્રેસ), લાલસિંહ વાડોદીયા(ભાજપ) અને શંભુ પ્રસાદ ટુંડિયા(ભાજપ)નો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. આ ચાર સભ્યોમાં ત્રણ ભાજપના અને એક કોંગ્રેસના છે. જો એક સાથે આ 4 બેઠકોની ચૂંટણી થાય તો ભાજપ એક બેઠક ગુમાવી શકે છે અને કોંગ્રેસ ને એક બેઠકનો ફાયદો થઈ શકે છે. લોકસભાની 26 બેઠકમાંથી કોંગ્રેસ પાસે એકપણ બેઠક નથી, પરંતુ રાજ્યસભામાં ચાર બેઠક છે. જે વધીને પાંચ થઈ શકે તેમ છે.

રાજ્યસભામાં ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 4 બેઠક
ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠક છે. જેમાંથી ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 4 બેઠક છે. હાલ કોંગ્રેસમાંથી મધુસુદન મિસ્ત્રી, અહમદ પટેલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવા રાજ્યસભાના સભ્ય છે. કોંગ્રેસમાંથી રાજ્યસભામાં સૌથી વધુવાર જીતવાનો રેકોર્ડ અહમદ પટેલના નામે છે. અહમદ પટેલ કુલ પાંચ વાર રાજ્યસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે.

રાજ્યસભા ચૂંટણીનું ગણિત
ચારેય બેઠકોની ચૂંટણી એકસાથે થાય તો બંને ઉમેદવારને સરખા પ્રેફરન્સ વોટ જોઇએ. જેના માટે નિયત ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઇએ. રાજ્યસભામાં 4 જગ્યા ખાલી પડશે. જેમાં એક ઉમેરતા 5 થાય અને હાલ 179 ધારાસભ્યો છે. જેથી તેને 5 વડે ભાગવાથી 35.8 થાય જેમાં એક ઉમેરતા 36.8 જેને પૂર્ણાંક ગણતા 37 મતની જરૂરિયાત રહે. જેથી ત્રણ બેઠક મેળવવા માટે ભાજપને કુલ 111 MLAના મતની જરૂર પડે. પરંતુ ભાજપ પાસે હાલ 103 અને કોંગ્રેસ પાસે 72 ધારાસભ્યો છે. જેથી કોંગ્રેસને બે સીટ જીતવા 74 મતની જરૂર પડશે. આમ કોંગ્રેસને બે મત ખૂટશે, જેની ભરપાઈ અપક્ષ ધારાસભ્ય મેવાણી અને બીટીપીના બે સભ્યોનો સાથ મળતા થઈ શકે છે. જ્યારે ભાજપને ત્રણ બેઠક જીતવા 8 સભ્યોની ઘટ પડી શકે છે.

ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે 26મી માર્ચે ચૂંટણી જાહેર was originally published on News4gujarati