• ભારતે કાશ્મીરમાંથી 370 કલમ નાબૂદ કરતા પાકિસ્તાને તમામ પ્રકારના વ્યાપાર પર પ્રતિબંધ મુક્યો હતો
  • પાકિસ્તાને ઈઝરાઈલની માફક ભારત સાથે પણ નો ટ્રેડ નીતિ અપનાવેલી છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા સાત મહિનાથી દ્વિ-પક્ષીય વ્યાપાર બંધ છે ત્યારે પાકિસ્તાન પોતાને ત્યાં કૃષિક્ષેત્રમાં તીડના ઉપદ્રવનો અંત લાવવા માટે ભારતમાંથી જંતુનાશકોની આયાત કરવા વિચારણા કરી રહ્યું છે. અલબત પાકિસ્તાન ભારતમાંથી જંતુનાશકોની આયાત માટે એક વખત (One-Time) આયાત પરના પ્રતિબંધમાંથી જંતુનાશકોને મુક્તિ આપશે. પ્રધાનમંત્રી ઈમરાનખાનના વડપણ હેઠળ આવતીકાલે યોજાનારી બેઠકમાં ગેસની કિંમત તથા વીજળી બિલ ઉપરાંત તીડનાશક દવાઓની ભારતમાંથી આયાત કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને નાબૂદ કરવાના ભારતના નિર્ણય બાદ પાકિસ્તાને ભારત સાથે તમામ પ્રકારના વેપાર પર પ્રતિબંધ મુક્યો હતો. એટલે કે ઈઝરાઈલની માફક ભારત સાથે પણ કોઈ જ વ્યાપાર નહીં કરવાનો નિર્ણય કર્યો હતો.

તીડના ઉપદ્રવ સામે ભારતે મેળવેલી સફળતાને ધ્યાનમાં પાકિસ્તાન જંતુનાશકોની આયાત કરી શકે છે

ભારતે પાકિસ્તાન સાથે જોડાયેલી ઉત્તર ગુજરાતની સરહદ પર તીડના ઝુંડના ઉપદ્રવનો સામનો કરવો પડ્યો હતો. તીડને લીધે ગુજરાતમાં ખેડૂતોને કૃષિક્ષેત્રમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. રાજ્યને કેન્દ્ર સરકારની મદદથી તીડના ઉપદ્રવનો અંત લાવવામાં સફળતા મળી હતી. ભારતે તીડના ઉપદ્રવનો અંત લાવવામાં મેળવેલી સફળતાના અનુભવને જોતા પાકિસ્તાન પોતાને ત્યાં તીડની સમસ્યાનો અંત લાવવા ભારત પાસેથી અસરકારક જંતુનાશકોની આયાત કરવા વિચારણા કરી રહ્યું છે.

પાકિસ્તાન તીડના ઉપદ્રવનો અંત લાવવા ભારતમાંથી જંતુનાશકોની આયાત કરે તેવી શક્યતા was originally published on News4gujarati