• ખેડૂતો અને વેપારીઓ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી ટાયરો સળગાવ્યા
  • પોલીસના લાઠીચાર્જ અને અટકાયતને લઇને આજથી યાર્ડ અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે તેવો નિર્ણય
  • ખેડૂતો એને વેપારીઓને ડરાવવા PSIએ રિવોલ્વર લોડ કરી ફાયરીંગની ધમકી આપી હતી

રાજકોટ બેડી યાર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે આજે સોમવારે બેડી યાર્ડ પાસેની સોસાયટીના લોકો, ખેડૂતો, વેપારીઓ, એજન્ટો યાર્ડ બહાર હાઇવે પર ઉતરી આવ્યા હતા અને રસ્તા વચ્ચે જ બેસી ગયા હતા. આથી રોડ ચક્કાજામ થતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ રસ્તા પર ટાયર સળગાવતા વાહનચાલકોને થંભી જવાની ફરજ પડી હતી. જો કે, પોલીસ આવતા જ તમામ લોકો યાર્ડ અંદર જતા રહ્યા હતા અને પોલીસ પર હળવો પથ્થરમારો કર્યો હતો. પોલીસે 25થી વધુ વેપારીઓ, ખેડૂતોની અટકાયત કરી હતી. કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીની અટકાયત કરતા જ વેપારીઓ અને ખેડૂતો વિફર્યા હતા. પોલીસે પણ લાઠીચાર્જ અને ડરાવવા રિવોલ્વર કાઢી હતી. આથી બેથી ત્રણ વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી છે.

PSIએ રિવોલ્વર કાઢી ફાયરીંગની ધમકી આપી

PSI અસલમ અંસારીએ રિવોલ્વર લોડ કરી ખેડૂતો અને વેપારીઓને ચેતવણી આપી હતી. પોલીસ ગુનેગારોને બદલે ખેડૂતો પર પોલીસ સૂરી બની હતી. તેમજ ખેડૂતોને ફાયરીંગ કરવાની પણ ધમકી આપી હતી. આ અંગે યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે, સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે. યોગ્ય નિરાકરણ લાવવા આગામી દિવસોમાં એક ડેલિગેશન મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા પહોંચશે.

ચક્કાજામને લઇને હાઇવે પર બંને બાજુ લાંબો ટ્રાફિકજામ

ખેડૂતો અને વેપારીઓ રસ્તા પર બેસી જતા વાહનચાલકોને થંભી જવું પડ્યું હતું. આથી મોરબીથી રાજકોટ આવતા અને રાજકોટથી મોરબી તરફ જતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ટ્રાફિકજામને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે પોલીસ આવતા જ ખેડૂતો અને વેપારીઓ યાર્ડમાં ઘૂસી ગયા હતા અને મેઇન ગેટ બંધ કરી પોલીસ પર હળવો પથ્થરમારો કર્યો હતો. આથી પોલીસના ધાડેધાડે માર્કેટીંગ યાર્ડ બહાર ઉતારી દેવામાં આવ્યા છે. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસે પણ પથ્થરમારો કર્યો છે. પોલીસ અમને દબાવી રહી છે. અતુલ કમાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોલીસે અમારા પર લાઠીચાર્જ કર્યો હતો. યાર્ડની અંદર પોલીસ મજૂરોને ગોતી ગોતીને પકડી રહી છે. મનપા અને રૂડાના અધિકારીઓ નો બેદરકારીનો ભોગ ખેડૂતો બનશે.

મચ્છરોને કારણે મામલો બીચક્યો ને વેપારીઓ-મજૂરોને માર ખાવો પડ્યો

બેડી યાર્ડમાં બાજુના વોંકળામાંથી દરરોજ અસંખ્ય મચ્છરો ઉત્પન્ન થયા છે. આ કારણે વેપારીઓ, ખેડૂતો, મજૂરો પરેશાન થઇ જાય છે. બે વર્ષથી મચ્છરોનો ત્રાસ સહન કરતાં આ લોકોને આજે ચક્કાજામ કરવા જતાં માર ખાવાનો વારો આવ્યો હતો. હડતાળ જો પાડવી પડે તો રવિવારે રાતે જે ખેડૂતો માલ લઇને આવે તેનું શું કરવું? ખેડૂતો હેરાન ન થાય એ માટે રાતે યાર્ડના પરિસરમાં માલ ઉતારવા દેવામાં આવ્યો હતો. દરમિયાન આજે બપોરે મોટી સંખ્યામાં યાર્ડના વેપારીઓ, ખેડૂતો વોંકળામાંથી આવતાં મચ્છરોના ત્રાસ અને ગાંડીવેલને દૂર કરવાની માગણી સાથે રોડ પર ઉતરી આવ્યા હતાં. સુરત કોર્પોરેશન પાસે આ પ્રકારની ગાંડીવેલ દૂર કરવાની અને મચ્છરો ભગાડવાની સારી મશીનરી હોય ત્યાંથી મશીનરી મંગાવવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.

હાલ પરિસ્થિતિ કાબૂમાં: DCP

DCP રવિમોહન સૈનીએ આ અંગે જણાવ્યું હતું કે, 200થી વધુ લોકો રસ્તા પર ઉતર્યા હતા. હાલ રસ્તો ક્લિયર કરાવી નાખ્યો છે. તેમજ પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો છે. સીસીટીવી જોઇ યોગ્ય કરી વધુ તપાસ કરીશું. તેમજ આ વિસ્તારમાં હાલ પૂરતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

યાર્ડમાં મચ્છરના ત્રાસથી વેપારીઓ અને ખેડૂતો વિફર્યા, પથ્થરમારો કરતા પોલીસે રિવોલ્વર કાઢી, 25થી વધુની અટકાયત was originally published on News4gujarati