- અમે કોઇપણ પ્રકારનું દબાણ કર્યુ નથી, તેમ છતાં સીલ મારવામાં આવ્યું છેઃ રેસ્ટોરાં સંચાલક
- પાલિકાની ટીમે ચેન્જ ઓફ વ્યૂની નોટિસ આપ્યા બાદ આજે રેસ્ટોરાંને સીલ માર્યું
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારના મામાની પોળમાં આવેલી દેશી રોટલો કાઠીયાવાડી રેસ્ટોરાંમાં બાંધકામના લઇને વિવાદ સર્જાયો છે. આજે પાલિકાની ટીમ રેસ્ટોરાંને સીલ મારવા માટે પહોંચી ત્યારે પોલીસ અને રેસ્ટોરાં સંચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે છેવટે પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગે રેસ્ટોરાંને સીલ માર્યું હતું.
અમે કોઇપણ પ્રકારનું દબાણ કર્યું નથી: રેસ્ટોરાં સંચાલક
રેસ્ટોરાંના સંચાલક અશોક પુરોહિતે જણાવ્યું હતું કે, અમે કોઇપણ પ્રકારનું દબાણ કર્યું ન હોવા છતાં પાલિકાની ટીમ અમારી રેસ્ટોરાંને સીલ માર્યુ છે અને તાત્કાલિક સામાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ અમે કોઇપણ પ્રકારનું દબાણ કર્યું જ નથી. માત્ર જર્જરીત દીવાલને રંગરોગાન કરીને વ્યવસ્થિત કરી છે.
મેયરના હુકમથી અમારી રેસ્ટોરાંને સીલ મારવામાં આવ્યું
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમને ખબર પડી છે, બાજુમાં જે જૈન મંદિર આવેલુ છે, તેના ટ્રસ્ટી પ્રવિણભાઇ શેઠ છે, તેમના ભાભી શહેરના મેયર જિગીષાબેન શેઠ છે. અને તેમના હુકમથી અમારી રેસ્ટોરાંને સીલ મારવામાં આવ્યું છે. આ પહેલા અમને ધમકીઓ પણ મળી હતી કે, તમારી રેસ્ટોરાંને સીલ મરાવી દઇશું અને તમને અહીં નહીં રહેવા દઇએ.
ચેન્જ ઓફ વ્યૂ માટે નોટીસ આપવામાં આવી હતીઃ અધિકારી
વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિગ અધિકારી પરિમલ પટણીએ જણાવ્યું હતું કે, બાંધકામ પરવાનગી વિભાગ દ્વારા ચેન્જ ઓફ વ્યૂ માટે નોટીસ આપવામાં આવી હતી. જે અંતર્ગત રેસ્ટોરાંને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
રાવપુરામાં કાઠીયાવાડી રેસ્ટોરાંના બાંધકામને લઇને વિવાદ, પાલિકાની ટીમ સીલ મારવા પહોંચતા પોલીસ અને સંચાલકો વચ્ચે ઘર્ષણ was originally published on News4gujarati