- મુખ્યમંત્રીની નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, શિક્ષણમંત્રી સાથેની બેઠક બાદ નિર્ણય
- બિન અનામતના 5 અને અનામત વર્ગના 68 દિવસ આંદોલન બાદ સરકારનો નિર્ણય
- મહિલાઓની 3077 જગ્યામાં વધારો કરી 5,227 જગ્યા કરી
- કટઓફ માર્ક્સમાં વધારો કરી 62.5 ગુણ કર્યાં
- સુપર ન્યૂમરી જગ્યાઓ પર ભરતી કરવાનો નિર્ણય કર્યો
- બક્ષી પંચની બહેનોની 1834ને બદલે 3248ની ભરતી થશે
ગાંધીનગરઃ ગુજરાત સરકારે મહિલા અનામત અંગેના તા. 1-8-2018ના પરિપત્રનો અમલ એલઆરડી ભરતી પૂરતો મોકૂફ રાખીને મહિલા ઉમેદવારોને અન્યાય ન થાય એ માટે 2150 બેઠક વધારીને 5227 બેઠક પર ભરતીની સમાધાન ફોર્મ્યુલા આંદોલનકારીઓ માટે જાહેર કરી હતી. જો કે, આ પછી આંદોલન પાછું ખેંચાઇ જશે તેવી અપેક્ષા રાખતી સરકાર માટે નિરાશાજનક ઘટના એ છે કે, આંદોલનકારીઓએ પરિપત્ર જ રદ કરવાની માગ પર અડગ રહીને આંદોલન યથાવત્ રાખવાની જાહેરાત કરી છે.
સુપર ન્યૂમરી જગ્યાઓ પર ભરતી થશેઃ નાયબ મુખ્યમંત્રી
આ સિવાય તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રાજ્યના પોલીસ દળમાં નોકરીની વધુ તકો ઉભી થાય તે માટે સુપર ન્યૂમરી જગ્યાઓની ભરતી કરવાનો પણ નિર્ણય કર્યો છે. જેના પરિણામે અનામત અને બિનઅનામત વર્ગોની બંને કક્ષાએ બહેનોને ભરતીમાં યોગ્યતાના અધારે વધુ તક મળશે. LRD ભરતી પ્રક્રિયામાં 50 ટકા ગુણાંક અને 62.5 ગુણ મેળવ્યા હોય તેવી બહેનોને લાભ આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, બક્ષીપંચની બહેનોની 1834થી વધારી 3248, સામાન્ય કેટેગરીની બહેનોની સંખ્યા 421થી વધીને 880 તેમજ SCની 346થી 588 અને STમાં 476થી વધારી 511 જગ્યાઓનો વધારો કર્યો છે. આ ઉપરાંત અગાઉના કટઓફ માર્ક્સમાં વધારો કરી 62.5 ગુણ કટઓફ કરવામાં આવતા કુલ 5227 જગ્યાઓ ઉપર બંને વર્ગની બહેનોને લાભ થશે. હાલ સરકારની કોઇ પણ ભરતી 1-8-2018ના પરિપત્ર પ્રમાણે નહીં કરવામાં આવે.
કેટેગરી | કેટલી બેઠક હતી | કેટલી થઇ |
જનરલ | 421 | 880 |
એસઇબીસી | 1834 | 3248 |
એસસી | 346 | 588 |
એસટી | 476 | 511 |
કુલ | 3077 | 5277 |
4 દિવસથી બેઠકોનો ધમધમાટ
જીએડીના 1 ઓગસ્ટ, 2018ના ઠરાવ મામલે અનામત અને બિન અનામત વર્ગ દ્વારા સામસામા આંદોલનને કારણે સરકારની સ્થિતિ કફોડી થઇ ગઇ હતી. છેલ્લા ચાર દિવસથી સરકારના સિનિયરમંત્રીઓ અને અધિકારીઓ તથા મુખ્યમંત્રી વચ્ચે બેઠકોનો દૌર ચાલ્યો હતો. શનિવારે પણ સીએમ નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ ચાલુ રહ્યા બાદ રવિવારે પણ બેઠકો યોજવામાં આવી હતી. ત્યાર બાદ આજે રાજ્ય સરકાર અંતિમ નિર્ણય પર પહોંચી હતી.
બિન અનામત વર્ગનું 5 દિવસથી અને અનામત વર્ગનું 68 દિવસથી આંદોલન
છેલ્લા પાંચ દિવસથી જીએડીના 1 ઓગસ્ટ, 2018નો પરિપત્ર રદ ન કરવાની કરવાની માંગ સાથે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો આંદોલન ચલાવી રહી છે. તો બીજી બાજુ સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ પરિપત્ર રદ કરવાની માંગણી સાથે 68 દિવસથી આંદોલન કરી રહી છે.
પરિપત્ર રદ કરવા અનામત વર્ગની માંગ યથાવત, બિન અનામત વર્ગે નિર્ણય સ્વીકાર્યો
રાજ્ય સરકારની જાહેરાત બાદ અનામત વર્ગની માંગ યથાવત રહી છે, અને તેઓ 1-8-2018ના પરિપત્રને રદ કરવાની માંગ કરી રહ્યાં છે. અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી નિર્ણયનો વિરોધ કર્યો છે. જ્યારે અનામત વર્ગે આ નિર્ણયને સ્વીકાર્યો છે.
વિવાદની શરૂઆત કેમ થઈ?
રાજ્ય સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી છે. તો તેની સામે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ ધરણા પર બેઠી છે.
વિવાદનું મૂળ શું છે?
1 ઓગસ્ટ, 2018નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ 68 દિવસથી અનામત વર્ગની 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઈ કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.
LRD ભરતીમાં 2150 બેઠક વધારવાની રાજ્ય સરકારની જાહેરાત, છતાં આંદોલન યથાવત્ was originally published on News4gujarati