• હાર્દિકે ગેંગમાં મહત્વના સ્થાનની ઓફર કરતા સૂર્યાના સાથી કાવતરામાં જોડાયા
  • ઓફિસ બહાર બેસેલા ગેંગસ્ટર સૂર્યા મરાઠીના બે પન્ટરની ભૂમિકા શંકાસ્પદ હતી

ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યામાં અપેક્ષા મુજબ વળાંક આવ્યો હતો. હત્યાના સમયે સૂર્યાના ખાસ ગણાતા માણસોની ભુમિકા શંકાસ્પદ જણાતા પાંચની ધરપકડ કરી છે. સૂર્યાની હત્યાની ફરિયાદ નોંધાવનાર અમોલ ઝીણે પણ આરોપી નીકળ્યો છે.

ઘટના શું હતી?

વેડરોડ પર અખંડ આનંદ કોલેજ સામે ત્રિભોવન નગરમાં સાંઈરથ એપાર્ટમેન્ટમાં સુરેશ ઉર્ફ સૂર્યા મરાઠી શ્રીરામ પવાર( 36 વર્ષ) પરિવાર સાથે રહતો હતો. ગત બુધવારે સૂર્યા મરાઠી ઓફિસમાં એકલો હતો. ત્યારે બપોરે 1.22 મિનિટે હાર્દિક તેના સાગરિતો રાહુલ, સતીષ, સાહિલ, વીકી અને અન્ય બે જણા સાથે ચપ્પુ લઈને આવીને સૂર્યા પર ઘા કર્યા હતા. દરમિયાન સૂર્યાએ પ્રતિકાર કરીને સામે ચપ્પુ મારતા હાર્દિકને જાંગ ભાગે ઇજા થઈ હતી. સૂર્યાને આગળના ભાગે 28, પાછળના ભાગે 22 એમ કુલ 50 ઘા મારી આરોપીઓ ભાગી ગયા હતા. સૂર્યાના સાથી તેને મહાવીર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેનું મોત નિપજ્યું હતું. બીજી તરક હાર્દિક તેના સાગરિત સાથે બાઇક પર ભાગ્યો હતો. તે ત્રિભોવન નગરથી એકાદ કિલોમીટર દૂર કોઝ વે તરફ રિધ્ધી-સિધ્ધી સોસાયટીથી આગળ હાર્દિક બાઇક પરથી નીચે પડતા તેનો સાગરિત તેને છોડીને નાસી ગયો હતો. ત્યાં જ હાર્દિકના હાથમાંથી ચપ્પુ પણ પડ્યુ હતું. ત્યારબાદ હાર્દિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં તેનું મોત નિપજ્યું હતું.

સીસીટીવીમાં શંકાસ્પદ દેખાયા હતા

સૂર્યાની હત્યામાં પોલીસે અગાઉ રાહુલ અને સતીષની ધરપકડ કરી હતી. બીજી તરફ હત્યાના દિવસે ઘટના સ્થળ પાસેના સીસી કેમેરામાં સૂર્યાની ઓફિસ બહાર બેસેલા તેના સાગરિતોની શંકાસ્પદ હિલચાલ અને મોબાઇલના રેકોર્ડના આધારે પોલીસને જાણ થઈ કે સૂર્યાની હત્યામાં તેના જ માણસોની ભૂમિકા છે. જેમાં સૂર્યા માટે કામ કરતા શફી ઉલ્લા મોહમંદ શફી શેખ (રહે. વિશ્રામનગર,વેડરોડ), અમોલ તુકારામ ઝીણે (સિંગણપોર), રોહિત ઉર્ફ મુન્નો દુધવાલા સુરેન્દ્ર શુક્લા (રહે. વેડરોડ), વિકાસ મગરે અને જયેશ ઉર્ફે જય જ્ઞાનેશ્વર પોલ (રહે. સરદાર પટેલ સોસાયટી, ડભોલી)એ હાર્દિકને મદદ કરી છે. તેથી પોલીસે પાંચેયની ધરપકડ કરી હતી. હત્યાના દિવસે સીસી કેમેરામાં ઓફિસ બહાર જે બેસેલા દેખાય છે એમાં એક જયેશ પોલ છે.

હવે હત્યા કરાશે તેવી ટીપ સાગરિતે જ આપી હતી

સૂર્યા જેલમાં હતો ત્યારે તેની ગેંગ હાર્દિક ઓપરેટ કરતો હતો. તે સમયે સૂર્યાના તમામ માણસો હાર્દિકની નજીક આવ્યા હતા. હવે સૂર્યા બહાર આવતા તેની હત્યા કરવા હાર્દિકે સૂર્યાના જ માણસોનો ઉપયોગ કર્યો. સૂર્યાના માણસોને હાર્દિકે ઓફર કરી કે જો સૂર્યા હટી જાય તો તે ગેંગનો લીડર બનશે અને તમામને ગેંગમાં મહત્વની ભુમિકા મળશે.જેથી હત્યાના દિવસે જયેશ પોલ અને આ ચારમાંથી એક આરોપીએ હાર્દિકને ફોન કરી હવે હત્યા કરી શકાય છે તેવી ટીપ આપી હતી. જોકે, હાર્દિકનું પણ મોત થતા આરોપીઓ ‘ના ઘરના રહ્યા અને ના ઘાટના’. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા હાર્દિકના જન્મ દિવસ પર આજે પકડાયેલા સૂર્યાના તમામ માણસો ગયા હતા.

જયેશ પોલે આપેલી પિસ્તોલ સાથે સૂર્યાનો સાગરિત ઝડપાયો

સૂર્યાની હત્યાના પાંચમાં દિવસે ક્રાઈમ બ્રાંચે સૂર્યા મરાઠીના સાગરિતની પિસ્તોલ અને ચાર કાર્ટીઝ સાથે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે પાલિયા ગ્રાઉન્ડ બ્રિજ નીચેથી ભરીમાતા રોડ તરફ જવાના રસ્તા પરથી આરોપી એન્થોની ઉર્ફ રોકી રીચાર્ડ કોન્ટ્રાક્ટર (રહે. સિદ્દાર્થ એન્કલેવ, જહાંગીરપુરા)ને ઝડપ્યો હતો. તેની પાસેથી દેશી પિસ્તોલ અને 4 કાર્ટીઝ તથા એક મોપેડ કબજે કરી છે. એન્થોનીએ પોલીસને જણાવ્યું કે તે અને જયેશ પોલ સૂર્યા મરાઠી માટે કામ કરતા હતા. સૂર્યાની હત્યા થઈ ત્યાર બાદ જયેશ ઉર્ફે જય જ્ઞાનેશ્વર પોલ (રહે. સરદાર પટેલ સોસાયટી, ડભોલી)એ પિસ્તોલ તેને રાખવા માટે આપતા મોપેડમાં મુકી હતી.

વેડ રોડ પર આશા બાવદાના ઘર પર હુમલો

રવિવારે રાત્રે વેડરોડ પર ત્રિવેણી સોસાયટી પાસે કિશન અને કનૈયાએ આશા બાવદાના ઘરે જઈ દીપક ક્યાં છે, અમને બહુ હેરાન કર્યો છે તેને બહુ ચરબી છે તેમ કહી ઘર પર પથ્થરમારો કર્યો હતો. દીપક સૂર્યાનો માણસ હોવાનું કહેવાય છે. સૂર્યા પર હુમલો થયો ત્યારે દીપક ત્યાં હાજર હતો. સૂર્યાનું મોત થતા તમામ વિરોધીઓ તેના માણસોને હેરાન કરવા મથી રહ્યા છે. કિશન અને કનૈયા ટૂન-ટૂનના માણસો હોવાનું કહેવાય છે.

ગેંગસ્ટર સૂર્યાની હત્યામાં નવો વળાંક, ફરિયાદી પોતે જ આરોપી નીકળ્યો, પોલીસે 5ની ધરપકડ કરી was originally published on News4gujarati