• પ્રશાંત ઉપાધ્યાયના કહેવાથી કિરણ અને કોમલે ધમકીઓ આપતા મહિલાએ ફરિયાદ નોંધાવી
  • બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાય સામે છેતરપિંડીની ફરિયાદ બાદ વિવાદમાં આવ્યા
  • છેતરપિંડીની ફરિયાદ બાદ પ્રશાંત ઉપાધ્યાય ફરાર, પોલીસ ટીમો બનાવીને શોધખોળ કરી રહી છે

વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં દોઢ મહિના પહેલાં 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ કરાઇ હતી. બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લા 3 વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતાં તેની માતાએ બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરૂમુખ અને કોમલ ઉર્ફે પીંકી ગુરૂમુખભાઇ સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે આગોતરા જામીન નામંજૂર થયા બાદ પ્રશાંત ઉપાધ્યાય પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
પ્રશાંતે યુવાનની ગુમ થવાની ફરિયાદ દાખલ થવા દીધી નહોતી
બગલામુખી મંદિરમાં દરબાર રચી લોકોને ઠગતા પ્રશાંત ઉપાધ્યાયના આશ્રમમાં રહેતા યુવકનો છેલ્લા 3 વર્ષથી અત્તો-પત્તો નથી. યુવકની માતા પોતાના દીકરાને શોધવા અવાર-નવાર પ્રશાંત પાસે જતી પરંતું ઊલટાનું તેમને ધમકાવી કાઢી મૂકવામાં આવતા હતા. આખરે આ યુવકે એવું તો શું જોઈ લીધું હતું કે તે અચાનક ગાયબ થઈ ગયો ? આ એક રહસ્ય છે. બીજી તરફ પ્રશાંત ઉપાધ્યાયે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ પણ દાખલ થવા દીધી નહોતી.
મારા દીકરા પાસે તેઓ ઘણી મજૂરી કરાવતા હતા
વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા પ્રાર્થના ફ્લેટમાં રહેતાં મીનાક્ષીબેન સુબોધચંદ્ર શાહ(ઉ.વ.63)એ જણાવ્યું હતું કે, મારો દીકરા કલ્પેશ શાહે(41) બી.કોમ અને ઈલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કર્યો હતો. કલ્પેશ અભ્યાસ કરતો ત્યારથી જ પ્રશાંત ગુરુજીની સાથે રહેતો હતો. ઘરે કામ હોય તોપણ તે ન આવતો. વર્ષ 2012માં કલ્પેશ પ્રશાંતના ગોત્રી સ્થિત ક્લિનિકવાળા ઘરમાં રહેતો હતો. જ્યાં તે પ્રશાંતનું પરચૂરણ કામ પણ કરતો હતો. મારા દીકરા પાસે તેઓ ઘણી મજૂરી કરાવતા હતા.
મારો દીકરો મારી સાથે વાત કરતાં પણ ગભરાતો હતો
હું કોઈક વખત મારા દીકરાને જોવા માટે વારસિયા બગલામુખી મંદિરના દરબારમાં જતી પરંતુ પ્રશાંત અને તેના માણસો મને મારા દીકરાને મળવા દેતા ન હતાં. જ્યારે હું મારા દીકરાને દૂરથી જ જોઈને મારું મન મનાવી લેતી હતી. બીજી તરફ મારો દીકરો મારી સાથે વાત કરતાં પણ ગભરાતો હતો.
પ્રશાંત ગુરૂજી સામે ફરિયાદો થતાં મારા દીકરા અંગે ચિંતા વધી
બીજી તરફ બગલામુખી આશ્રમમાંથી વર્ષ 2017થી દીકરો ગાયબ થઈ ગયો હતો. આ પહેલાં મારો દીકરો મને ઘરે કહેવા આવ્યો હતો કે હું કન્સ્ટ્રક્શનના કામે બહાર જઉં છું. 9 મહિના સુધી ત્યાં રહેવુ પડશે. જોકે 1 વર્ષથી દીકરાને ન જોતાં મે પ્રશાંત ગુરુજીને મારો દીકરો ક્યાં છે ? તે અંગે પૂછતાં ઊલટાને ગુરુજીએ મને ધમકાવી હતી કે કલ્પેશ ક્યાં ગયો છે ? તમારા ઘરે છે ? મેં પ્રશાંત ગુરુજીને મારા દીકરાના ગુમ થયા અંગેની ફરિયાદ આપવાનું કહેતાં તેઓએ થોડી રાહ જોવા જણાવ્યું હતું અને તે જ્યાં હશે ત્યાંથી પાછો આવી જશે તેમ જણાવી દીધું હતું. જેથી મેં મારો દીકરો ગુમ થયાનાં 3 વર્ષ બાદ પણ હજુ સુધી પોલીસ ફરિયાદ આપી નથી. હવે પ્રશાંત ગુરૂજી સામે ફરિયાદો થતાં મારા દીકરા અંગે ચિંતા વધી છે.
કિરણ અને કોમલે ધમકીઓ આપતા ફરિયાદ નોંધાવી
બગલામુખી મંદિર મંદિરમાં સેવા કરતા ગુરૂમુખભાઇના પત્ની કિરણબેન અને કોમલ ઉર્ફે પીંકી મારે ઘરે આવ્યા હતા. અને કહ્યું હતું કે, અમને ગુરુજીએ મોકલ્યા છે. તમે ગુરૂજીની વિરૂદ્ધમાં શું કામ બોલો છો? કિંજલ અને ધર્મેન્દ્રના ચડાવવામાં ન આવો. અને પાછું ખેંચી લો. ગુરૂજી આજકાલમાં જ પાછા આવવાના છે અને તેમને કશું થવાનું નથી અને તેમના આવ્યા પછી જોવા જેવી થશે. તમને જીવવા નહીં દઇએ તેવી પણ ધમકી આપી હતી.

બગલામુખી મંદિરમાં રહેતો યુવક 3 વર્ષથી રહસ્યમય રીતે ગુમ, માતાએ પ્રશાંત ઉપાધ્યાય સહિત 3 સામે ફરિયાદ નોંધાવી was originally published on News4gujarati