• ગઇકાલે ખેડૂતો, વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ટાયરો સળગાવી રોડ ચક્કાજામ કર્યો હતો
  • પોલીસે ખેડૂતો અને વેપારીઓ પર લાઠીચાર્જ કરતા રોષે ભરાયેલા વેપારીઓએ હડતાળ પાડી દીધી હતી

રાજકોટ: શહેરના મોરબી રોડ પર આવેલા બેડી માર્કેટીંગ યાર્ડની પાછળ નદી પસાર થઇ રહી છે. આ નદીમાં ગાંડીવેલ અને દૂષિત પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતો જાય છે. આથી માર્કેટ યાર્ડ અને આસપાસના વિસ્તારોમાં મચ્છર આવી ચડતા હોય કંટાળી ગઇકાલે સોમવારે ખેડૂતો, વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ટાયરો સળગાવી રોડ ચક્કાજામ કર્યો હતો. આથી પોલીસે ખેડૂતો અને વેપારીઓ પર લાઠીચાર્જ કરતા રોષે ભરાયેલા વેપારીઓએ હડતાળ પાડી દીધી હતી. આજે બીજા દિવસે પણ હડતાળ યથાવત છે. યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે, નદીમાંથી ગાંડીવેલ હટાવવા સુરતનીમશીનરીનો ઉપયોગ કરવામાં આવશે.

કલેક્ટર તંત્રએ યાર્ડમાં મચ્છરોનો ત્રાસ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી

રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા મચ્છરના ત્રાસને દૂર કરવા કલેક્ટર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મચ્છરના ત્રાસને લઇ ડિઝાસ્ટર ડિક્લેરેશન વહીવટી તંત્રએ જાહેર કર્યું છે. ડી.કે. સખીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલથી યાર્ડ ફરી શરૂ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આગેવાનો અને વેપારીઓ સાથે બેઠક કરવામાં આવશે. આજથી તમામ વિભાગ દ્વારા દૂર કરવા કાર્યવાહી હાથ ધરાશે. સુરતમાં તાપી નદીમાં ઉપયોગમાં લેવાયેલી મશીનરીની પણ મદદ લેવામાં આવશે.

ગાંડીવેલનો નિકાલ, મચ્છરનો કાયમી નીકાલ એ મારામાં નથી આવતું: કલેક્ટર

આ અંગે કલેક્ટર રેમ્યા મોહનએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગાંડીવેલ અને મચ્છરનો ઈસ્યુ છે તે અંગે પહેલા અમદાવાદથી મશીનરી મંગાવવા અંગે વિચારણા થઈ હતી, ત્યાં વાત પણ કરાઈ પરંતુ તેમાં થોડુ અડચણ આવે તેમ છે. આથી જૂનાગઢથી ટીમ બોલાવાઈ છે, આ ટીમ આજે આવશે તેની સાથે સ્થળ ઉપર અન્ય અધિકારીઓ જશે. પરંતુ ટેમ્પરરી સોલ્યુશન છે. ગાંડીવેલનો નિકાલ, મચ્છરનો કાયમી નીકાલ એ મારામાં નથી આવતું, બીજા ડિપાર્ટમેન્ટની જવાબદારી છે. એવી વાતો ન ચાલે, એવુ કોઈ ડિપાર્ટમેન્ટ ઉલાળીયો ન કરી શકે, તમામના સહકારથી આ પ્રશ્ન હલ કરવો જરૂરી બની ગયો છે.

મચ્છરના ત્રાસથી યાર્ડમાં બીજા દિવસે હડતાળ યથાવત, નદીમાંથી ગાંડીવેલ હટાવવા સુરતની મશીનરીની મદદ લેવાશે was originally published on News4gujarati