- LRD મામલે ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત આવ્યો છેઃ સરકારની કોર્ટમાં રજૂઆત
- નવો ઠરાવ હાલ પુરતો અમલમાં આવશે નહીં
- 3 સપ્ટેમ્બર 2014ના પરિપત્ર મુજબ સરકાર કાર્યવાહી કરશે
LRD ભરતી વિવાદ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. આ અંગે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં જણાવ્યું કે, આંદોલનનો સુખદ અંત આવ્યો છે. નવો ઠરાવ હાલ પુરતો અમલમાં આવશે નહીં, જ્યારે 1 ઓગસ્ટ 2018ના ઠરાવનું પાલન થશે નહીં. આ મામલે 3 સપ્ટેમ્બર 2014ના પરિપત્ર મુજબ સરકાર કાર્યવાહી કરશે. 2484 નવી પોસ્ટ ઉભી કરવામાં આવી છે. 125માંથી 62.5 માર્ક્સ હશે તેની ભરતી કરવામાં આવશે.ત્રણ અઠવાડીયામાં ભરતી કરવામાં આવશે. આ અંગે વધુ સુનાવણી 11 માર્ચના રોજ યોજાશે.
વિવાદ થતાં સરકારે નવો ઠરાવ કરવાની જાહેરાત કરી હતી, અંતે બેઠકો વધારી
LRDની ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન મેળવી ન શકે તેવી જોગવાઇ સાથેના GADએ બહાર પાડેલા તા.1-8-2018ના ઠરાવને રદ કરવાની માંગણી સાથે છેલ્લા 70 દિવસથી ગાંધીનગરમાં SC, ST, OBCની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે, જેની સામે સરકારે 11 ફેબ્રુઆરીએ નમતું જોખી જીએડીના ઠરાવમાં આંશિક સુધારો કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ બિન અનામત વર્ગે આંદોલન શરૂ કર્યું હતું. જેને કારણે રાજ્ય સરકારે મહિલાઓ માટેની અનામત બેઠકોમાં 2150નો વધારો કરીને 5227 બેઠક પર ભરતીની સમાધાન ફોર્મ્યુલા જાહેર કરી હતી.
વિવાદનું મૂળ શું છે?
1 ઓગસ્ટ, 2018નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ 70 દિવસથી અનામત વર્ગની 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઈ હતી કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ હતી.
LRD ભરતી વિવાદ – રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કહ્યું 1 ઓગસ્ટ 2018ના પરિપત્રનો અમલ નહીં થાય, 2014ના ઠરાવ મુજબ કાર્યવાહી કરશે was originally published on News4gujarati