• ટોળકીના 7 આરોપી વોન્ટેડ જાહેર કરી પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં
  • ટોળકીએ આચરેલા વડોદરા શહેરના વિવિધ ગુનાઓના ભેદ ઉકેલાયા
  • લૂંટારુ ટોળકી પાસેથી વિવિધ ટ્રકોના નંબરો લખેલી ડાયરી મળી

નેશનલ હાઇવે નંબર-48 ઉપર 4 ફેબ્રુઆરીએ વહેલી સવારે પીસીઆર વાન અને પોલીસકર્મીઓ ઉપર હુમલો કરીને મુદ્દામાલ સાથેના ટ્રેલરની લૂંટ થઇ હતી. આ બનાવમાં ક્રાઇમ બ્રાંચે લૂંટમાં સંડોવાયેલી ગોધરાની તાડપતરી ગેંગના 6 સાગરીતોને રૂપિયા 22.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
10થી 12 લૂંટારુઓએ બે પીસીઆર વાન ઉપર હુમલો કરીને લૂંટ ચલાવી હતી
વડોદરા ક્રાઇમ બ્રાંચના ડી.સી.પી. જયદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે ઉપર એલ.એન્ડ.ટી. પાસે પાર્ક કરેલા મુદ્દામાલ સાથેના ટ્રેલરની તાડપતરી ટોળકીના 10થી 12 લૂંટારૂ પી.સી.આર.-25 અને 26 ઉપર હુમલો કરીને પથ્થરમારો કરીને સોપારી, કાજુ, કાપડ, ટ્રેલર અને મોબાઇલ મળીને કુલ 22,88,400 રૂપિયાનો મુદ્દામાલ લૂંટી અમદાવાદ તરફ ફરાર થઇ ગયા હતા. આ બનાવની ફરિયાદ મકરપુરા પોલીસ મથકમાં નોંધાઇ હતી.
પોલીસે 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં
આ બનાવ અંગે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે.જે. પટેલ, પી.એસ.આઇ. એ.આર. ચૌધરી, જી.કે. ચાવડા સહિતના સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે તાડપતરી ટોળકીના 6 સાગરીતો મુસા અબ્દુલા ચરખા(રહે. ગોધરા), જુબેર ઇબ્રાહિમ ચરખા(રહે. ગોધરા), મુકેશ ગોરા નાયક(રહે. ગોધરા), ચંદુ બુધા નાયકા(રહે. ગોધરા), મહેબુબ ઉર્ફ કાલા સીદ્દીક ચાંદલીયા(રહે. ગોધરા) અને હુસેન મહંમદ હયાત(રહે. ગોધરા)ની ધરપકડ કરી છે. પોલીસે ટોળકી દ્વારા લૂંટવામાં આવેલ ટ્રેલર સહિત રૂપિયા 22,88,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. અને આ ગુનામાં સંડોવાયેલી ટોળકીના અમરો ભીલ, અલ્પેશ બારીયા અને રત્ના મીઠા (રહે. મોરવા) સહિત 7ને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
ગોધરાની તાડપતરી ટોળકીના તમામ સાગરીતો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
ડી.સી.પી. જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લૂંટના ગુનામાં ઝડપી પાડવામાં આવેલી ગોધરાની તાડપતરી ટોળકીના તમામ સાગરીતો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં મકરપુરા અને પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલાયા છે. આ ઉપરાંત ટોળકી પાસેથી એક ડાયરી મળી આવી છે. જેમાં વિવિધ ટ્રકોના નંબરો મળી આવ્યા છે. જે નંબરોનો ઉપયોગ કરીને ટોળકી દ્વારા લૂંટને અંજામ આપતા હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે.

NH-48 ઉપર પોલીસકર્મીઓ પર હુમલો કરીને ટ્રેલરની લૂંટ કરનાર ગેંગના 6 સાગરીત ઝડપાયા, 22.88 લાખનો મુદ્દામાલ જપ્ત was originally published on News4gujarati